<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

સૌરાષ્ટ્રમાં તોડબાજી રેકેટનો પર્દાફાશ: જૂનાગઢ GIDCના ઉદ્યોગકારોને ટાર્ગેટ બનાવી ધાકધમકી આપતી બોગસ અધિકારીઓ તથા મીડિયાકર્મીઓની ટોળકીને પોલીસે ઝડપી લીધી

​GPCB અને પ્રેસના નામે કારખાનેદારો પાસેથી લાખો રૂપિયાનો તોડ કરતી શાતિર ગેંગના ત્રણ સાગરીતો જેતપુરથી પકડાયા: બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતી પોલીસ

​જૂનાગઢ / જેતપુર:​ઔદ્યોગિક એકમોને પ્રદૂષણ નિયંત્રણના નામે ડરાવી-ધમકાવી તોડબાજી આચરતી એક શાતિર બોગસ ટોળકીનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના વર્ગ-૧ના ઉચ્ચ અધિકારીઓ તેમજ પત્રકાર-મીડિયાકર્મી તરીકેની ખોટી ઓળખ આપી સ્થાનિક કારખાનેદારો પાસે મોટી રકમની માંગણી કરતી ગેંગના ત્રણ સભ્યોને પોલીસે જેતપુર વિસ્તારમાંથી દબોચી લીધા છે, જ્યારે ઘટનામાં સંકળાયેલા અન્ય બે આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.

​પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ જી.આઈ.ડી.સી. (GIDC) વિસ્તારમાં આવેલા ઈશ્વર પ્લાસ્ટિક નામના કારખાનામાં ચાર-વ્હીલ વાહનમાં આવી પહોંચેલી આ ભેજાબાજ ટોળકીએ પોતાને ગાંધીનગર તથા રાજકોટ GPCBના અધિકારીઓ અને પ્રેસના પ્રતિનિધિઓ ગણાવ્યા હતા. કારખાનામાં પ્રવેશતાની સાથે જ તેમણે એકમમાં ભારે પ્રદૂષણ ફેલાતું હોવાના અને નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના બોગસ આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત કારખાનું તાત્કાલિક ધોરણે સીલ કરી દેવાની અને ભારે દંડ ફટકારવાની ધમકી આપીને મામલો રફે-દફે કરવા માટે લાખો રૂપિયાની બળજબરીપૂર્વક માંગણી કરી હતી.

​જોકે, કારખાનેદારને આ શખ્સોની શંકાસ્પદ વર્તણૂક અને વાતચીત પરથી તુરંત જ શંકા ગઈ હતી. તેમણે સમયસૂચકતા વાપરીને આ અંગે જૂનાગઢ જી.આઈ.ડી.સી. એસોસિએશનના હોદ્દેદારો અને અન્ય ઉદ્યોગકારોને જાણ કરી દીધી હતી. એસોસિએશનના સભ્યો તાબડતોબ સ્થળ પર પહોંચી જઈ આ શખ્સો પાસેથી આઈ-કાર્ડ તથા અધિકૃત પુરાવા માંગતા આ બોગસ અધિકારીઓ ગભરાઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને ફોન કરવાની ખાતરી અપાતાં જ આ ટોળકી ગાડી લઈને સ્થળ પરથી ભાગી છૂટી હતી.

​આ મામલે જૂનાગઢ પોલીસે ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી તપાસનો દોર સંભાળ્યો હતો. સીસીટીવી ફૂટેજ, વાહન નંબર અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે જેતપુર હાઈવે નજીકથી આ ગેંગના ૩ સભ્યોની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ સૌરાષ્ટ્રના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કારખાનેદારોને શિકાર બનાવી નકલી આઈડી કાર્ડ અને પ્રેસના કાર્ડ બતાવી મોટા પાયે આર્થિક તોડ આચરતી હતી. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી શંકાસ્પદ ઓળખપત્રો, મોબાઈલ અને વાહન કબજે કરીને ફરાર થઈ ગયેલા અન્ય બે સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.

(10:19 PM IST)