News of Monday, 17th August 2026
શ્રાવણના પ્રથમ સોમવારે સૌરાષ્ટ્ર-કચ્છના શિવાલયોમાં ભક્તોનો મહાસાગર ઉમટયો
વહેલી સવારથી જ મંદિરોના દ્વાર ખૂલતાની સાથે જ દર્શન માટે લાંબી કતારો ‘હર હર મહાદેવ...' ‘ઓમ નમઃ શિવાય...'ના નાદથી શિવ મંદિરો ભક્તિમય માહોલથી ગુંજ્યાઃ શ્રી સોમનાથ મહાદેવ - દ્વારકાના શ્રી નાગેશ્વર મહાદેવ જ્યોર્તિલિંગો અને ગ્રામ્ય વિસ્તારના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ

રાજકોટ, તા.૧૭:આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી છે. ભોલેનાથના દર્શન અને જલાભિષેક માટે શ્રદ્ધાળુઓ સૂર્યોદય પહેલાં જ મંદિરો પર પહોંચી ગયા હતા. શ્રી સોમનાથ મહાદેવ - દ્વારકાના શ્રી નાગેશ્વર મહાદેવ જ્યોર્તિલિંગો અને ગ્રામ્ય વિસ્તારના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ છે.
પૂજારીઓ દ્વારા સવારે ૪ વાગ્યાથી જ વિશેષ પૂજા-અર્ચના અને રુદ્રાભિષેકની શરૂઆત કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ‘હર હર મહાદેવ' અને ‘ઓમ નમઃ શિવાય'ના નારા ગુંજી ઉઠ્યા હતા.
ભક્તોએ બિલીપત્ર, ધતૂરા, આકડાના ફૂલ અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કર્યો હતો. ઘણા ભક્તોએ ઉપવાસ રાખીને દર્શન કર્યા હતા. મહિલાઓએ સાંસારિક સુખ અને સંતાન પ્રાપ્તિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી.
મોટા મંદિરોમાં દર ૨ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરમાં સવારે ૭ વાગ્યે થયેલી શળંગાર આરતીમાં હજારો ભક્તો જોડાયા હતા.
ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ અને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બેરિકેડિંગ, પીવાના પાણી, તબીબી સેવા અને પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
ધાર્મિક માન્યતા મુજબ શ્રાવણ મહિનામાં કરેલી શિવપૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. સોમવારનો દિવસ ભગવાન શિવને અતિ પ્રિય હોવાથી આ દિવસે વ્રત અને પૂજાનું ખાસ મહત્વ છે. પંડિતોના મતે શ્રાવણના દરેક સોમવારે રુદ્રાભિષેક કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આગામી સોમવારે પણ આ જ રીતે ભક્તોની ભીડ રહેવાની શકયતા છે. તંત્ર દ્વારા પણ તમામ મંદિરોમાં સોમવાર માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
