News of Monday, 17th August 2026
ગોંડલમાં શેરીઓમાં એકલી ચાલતી મહિલાઓની છેડતી કરનાર ઢગાને એલસીબીએ ઝડપી લીધો
બે વર્ષ પૂર્વે મહાદેવવાડીમાં પણ મહિલા ઉપર નિર્લજ્જ હુમલો કર્યાની કબુલાતઃ પકડાયેલ ચેતન રૈયાણીના પોલીસે સીન વિંખી નાખ્યા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૭: રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે ગોંડલ શહેરમાં રહીણાંક સોસાયટીઓની શેરીઓમાં એકલી નીકળતી મહિલાઓને પેટ તથા છાતીના ભાગે મુક્કો મારી અડપલાં કરી ભાગી જતા આધેડને ઝડપી પાડ્યો છે. અને બે વર્ષ જૂના વણઉકેલાયેલા કેસ સહિત બે બનાવોનો પર્દાફાશ કર્યો છે.
ગત તા. ૧૨/૦૮/૨૦૨૬ના રોજ ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સાંજના સમયે એક મહિલા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ગ્રે કલરના એક્ટિવા પર આવેલા એક અજાણ્યા ચાલકે મહિલાને છાતીના ભાગે ધબ્બો મારી નિર્લજ્જ હુમલો કર્યો હતો અને નાસી છૂટયો હતો. આ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આશરે બે વર્ષ પહેલાં પણ ગોંડલના મહાદેવવાડી વિસ્તારમાં એક મહિલા પર આ જ પ્રકારે હુમલો કરી છેડતી કરવામાં આવી હતી, જે અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ બંને ગુના વણઉકેલાયા હતા.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પીઆઈ જે.પી. રાવ અને તેમની ટીમે તપાસ હાથ ધરી બનાવ સ્થળની આજુબાજુના તેમજ આરોપીના ભાગવાના રૂટના CCTV ફુટેજ ચકાસ્યા હતા. ખાનગી બાતમીદારો અને હ્યુમન સોર્સ મારફતે મળેલી સચોટ બાતમીના આધારે ગોંડલ-જેતપુર રોડ ત્રણ ખૂણીયા પાસેથી શંકાસ્પદ એક્ટિવા સાથે ઉભેલા ઇસમની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ બંને ગુનાની કબૂલાત કરી હતી.પકડાયેલા આરોપીનું નામ ચેતનભાઈ રામજીભાઈ રૈયાણી (ઉં.વ. ૫૨) છે, જે ગોંડલ-જેતપુર રોડ પર ત્રણ ખૂણીયા પાસે આવેલા રવિ બંગલોઝમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૫૦,૦૦૦ની કિંમતનું હોન્ડા એક્ટિવા ( ન.GJ-03-HS-8165) અને રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો એક મોબાઇલ ફોન મળીને કુલ રૂ. ૬૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. છેલ્લા અઢી થી ત્રણ વર્ષ દરમિયાન શહેર નાં વિવિધ વિસ્તારો માં ચાલીને જતી મહીલાઓ પર હુમલાની ઘટનાઓ ને લઇ ને ખૌફ સર્જાયો હતો. પોલીસે વિકળત માનસિકતા ધરાવતાં ઢગાને ઝડપી લઇ આકરી સરભરા કરી સીન વિંખી નાંખ્યા હતા.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
