<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

હળવદમાં બાઇક સ્‍લીપ થતાં મેળામાં જઇ રહેલા પ્રવિણગીરીનું મોતઃ દિકરીને ઇજા

ત્રણ વર્ષની દિકરીને દશામાના મેળામાં લઇ જતી વખતે બનાવઃ ૩૫ વર્ષિય યુવાને રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડયોઃ બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૮: હળવદમાં બાઇક સ્‍લીપ થઇ જતાં પાંત્રીસ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે. જ્‍યારે તેની સાથે બાઇકમાં બેઠેલી ત્રણ વર્ષની દિકરીને ઇજા પહોંચી હતી. દિકરીને દશામાના મેળામાં ફેરવવા માટે લઇને જતી વખતે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ હળવદમાં ભવાનીનગર લાંબી ડેરી પાસે રહેતાં પ્રવિણગીરી દોલતગીરી ગોસાઇ (ઉ.વ.૩૫) નામના યુવાન સાંજે આઠેક વાગ્‍યે ત્રણ વર્ષની દિકરીને બાઇકમાં બેસાડી ગામમાં દશામાનો મેળો યોજાયો હોઇ ત્‍યાં આટો મરાવવા માટે લઇને જતાં હતાં. આ વખતે દશામાના મંદિર નજીક પહોંચતા બાઇક સ્‍લીપ થઇ જતાં બાપ-દિકરી બંને રોડ પર ફેંકાઇ ગયા હતાં.

આ અકસ્‍માતમાં પ્રવિણગીરીને માથા, શરીરે ગંભીર ઇજા થઇ હતી. જ્‍યારે ત્રણ વર્ષની દિકરીને પગમાં ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે હળવદ, મોરબી ખસેડાયા બાદ પ્રવિણગીરીની વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે હળવદ પોલીસને કરી હતી.

મૃત્‍યુ પામનાર પ્રવિણગીરી ત્રણ ભાઇમાં વચેટ હતાં અને સંતાનમાં બે દિકરી છે. જેમાં એક ત્રણ વર્ષની અને બીજી એક વર્ષની છે.   પોતે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી ગોસાઇ પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(1:26 PM IST)