News of Tuesday, 18th August 2026
જૂનાગઢના ગિરનાર પર યાત્રાળુઓ અને વન્યજીવોની સુરક્ષા માટે 25 તાલીમબદ્ધ ટ્રેકર્સ તૈનાત
સિંહે બાળકનો શિકાર કર્યા બાદ બનેલી SOP હેઠળ નવી સીડી, જૂની સીડી અને દાતાર માર્ગ પર ટ્રેકર્સ નજર રાખશે:માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવવામાં અને આગોતરી જાણકારી મેળવવામાં મદદ મળશે

જૂનાગઢ સ્થિત પવિત્ર ગિરનાર પર્વત પર આવતા લાખો યાત્રાળુઓ તેમજ જંગલના વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં માનવ અને વન્યજીવ સંઘર્ષ અટકાવવાના ભાગરૂપે આજથી 25 જેટલા વિશેષ તાલીમબદ્ધ ટ્રેકર્સને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખીને કોઈપણ સંભવિત જોખમ સામે તંત્રને આગોતરી જાણ કરવાની મહત્વની જવાબદારી આ ટ્રેકર્સ સંભાળશે.
વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી વ્યૂહરચના મુજબ, આ 25 ટ્રેકર્સને ગિરનારના અતિ સંવેદનશીલ અને મુખ્ય યાત્રા માર્ગો પર તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં ગિરનાર આરોહણ-અવરોહણ માટે વપરાતી નવી સીડી, જૂની સીડી તેમજ દાતાર પર્વત તરફ જતા માર્ગોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં સિંહ, દીપડા સહિતના હિંસક વન્યજીવોની અવરજવર વધુ રહેતી હોવાથી ટ્રેકર્સ સતત પેટ્રોલિંગ કરીને પગપાળા જતા યાત્રાળુઓની સુરક્ષા પર ચાંપતી નજર રાખશે.
અગાઉ ગિરનાર તળેટી અને પર્વતીય વિસ્તારમાં સિંહ દ્વારા માસૂમ બાળક પર હુમલો કરી શિકાર બનાવવાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી હતી. આ ગંભીર ઘટના બાદ રાજ્ય સરકાર અને વન વિભાગ હરકતમાં આવ્યા હતા અને ભવિષ્યમાં આવી અઘટિત ઘટનાઓ ન બને તે માટે એક કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નક્કી કરવામાં આવી હતી. આ SOP ના અસરકારક અમલીકરણના ભાગરૂપે જ આ ટ્રેકર્સની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
વન વિભાગ દ્વારા આ તમામ ટ્રેકર્સને વન્યજીવોના વર્તન, તેમના પગના નિશાન ઓળખવા, કટોકટીના સમયે બચાવ કામગીરી હાથ ધરવા અને યાત્રાળુઓને સલામત રાખવા અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી છે. ટ્રેકર્સ વન્યપ્રાણીઓની હાજરી જણાતાં જ કંટ્રોલ રૂમ અને વન અધિકારીઓને તુરંત મેસેજ પાસ કરશે, જેથી યાત્રાળુઓને સમયસર સાવચેત કરી સુરક્ષિત રાખી શકાય.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
