News of Wednesday, 19th August 2026
જામકંડોરણાના ધોળીધારમાં હીંચકા ખાતી વખતે છજુ તૂટીને પેટ પર પડયું: ૧૨ વર્ષની આરઝૂનું મોત
આઠમા ધોરણમાં અભ્યાસ કરતી બાળાએ સારવારમાં રાજકોટમાં દમ તોડયોઃ મકરાણી પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૯: બાળકો ઘણીવાર રમત રમતમાં અકસ્માતનો ભોગ બની જતાં હોય છે. જામકંડોરણાના ધોળીધારમાં બાર વર્ષની બાળા અને બીજા બાળકો ઘરની બહાર છજામાં દોરડા બાંધી હીંચકા ખાતા હતાં તે વખતે છજુ તૂટી પડતાં અને પેટના ભાગે પડતાં ગંભીર ઇજા થતાં આ બાળકીનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ જામકંડોરણા ધોળીધારમાં રહેતાં સલિમભાઇ નાથાભાઇ મકરાણીની દિકરી આરઝૂ (ઉ.વ.૧૨) ગત ૧૭મીએ સાંજે પાંચેક વાગ્યે ઘરના છજામાં દોરડા બાંધી તેનો હીંચકો બનાવી તેમાં હીંચકા ખાતી હતી તે વખતે છજુ તૂટી પડતાં તે આરઝૂના પેટ ઉપર પડતાં ગંભીર ઇજા થઇ હતી. તેણીને ગોંડલ ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.
વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોડી રાતે મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામકંડોરણા પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર આરઝૂ ત્રણ બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરે હતી અને ધોરણ-૮માં અભ્યાસ કરતી હતી. તેના પિતા સલિમભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. માતાનું નામ સાયરાબેન છે. બનાવની સાંજે બધા વડિલો વાડીએ કામ કરતાં હતાં ત્યારે બાળકો ઘરે એકલા હોઇ છજામાં દોરડા બાંધી હીંચકો બનાવ્યો હતો. જેમાં હીંચકતી વખતે આ બનાવ બન્યો હતો. લાડકવાયી દિકરીના મોતથી મકરાણી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
