News of Wednesday, 19th August 2026
પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારોને તેની બોટ સાથે છોડવા માંગણી
ઉનાના અગ્રણી અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રસિકભાઇ ચાવડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રજૂઆત

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૧૯: લાંબા સમયથી પાકિસ્તાનની જેલોમાં કેદ ભારતીય માછીમારો અને તેમની ફિશ્નર બોટોને મુક્ત કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને રજૂઆત કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લા ભાજપ (બક્ષીપંચ મોરચા)ના મહામંત્રી રસિકભાઇ ચાવડા દ્વારા ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આવેદન પત્ર પાઠવીને પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતના નિર્દોષ માછીમારો અને તેમની બોટોને મુક્ત કરાવવા માંગ કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવેલ છે કે, પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના, જાફરાબાદ, ઓખા અને દીવના માછીમારો અજાણતા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ઓળંગી જતાં પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા તેમની ધરપકડ કરી બોટો જપ્ત કરવામાં આવે છે. ઘરના મોભી જેલમાં હોવાથી પરિવારો ગંભીર આર્થિક સંકટ અને માનસિક યાતનાઓ ભોગવી રહ્યા છે. જેલોમાં યોગ્ય ખોરાક અને તબીબી સુવિધાઓના અભાવે માછીમારોના અરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. વડાપ્રધાનને રજુઆતમાં જણાવેલ કે વિદેશ મંત્રાલય દ્વારા કાનૂની અને રાજદ્વારી સ્તરે વાટાઘાટો કરી માછીમારોને સત્વરે સ્વદેશ પરત લાવવામાં આવે. રોજીરોટીના સાધન સમાન જપ્ત કરાયેલી બોટો પણ ભારત પરત લાવવા યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી છે.
આ આવેદન પત્રની નકલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, ગળહમંત્રી અમિતભાઇ શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય કે.સી. રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી છે
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
