<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

હર્ષ સંઘવી દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડમાં તાત્‍કાલીક કડક કાર્યવાહીનો આદેશ

અમદાવાદ એરપોર્ટ ખાતે રાજય પોલીસ વડા જી. એસ. મલિક આઇબી ચીફ અમદાવાદ પોલીસ કમિશ્‍નર ઉપસ્‍થિતિઃ સ્‍ટેટ મોનટરીંગ સેલ ટીમ દ્વારા તપાસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ર૦: રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલે ઉચ્‍ચસ્‍તરીય બેઠક યોજી હતી. અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્‍ય પોલીસ વડા જી.એસ. મલિક, આઈબી ચીફ અને અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેઠક યોજાયા બાદ ભાવનગરમાં તાત્‍કાલિક કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. સમગ્ર પ્રકરણની તપાસ હવે સ્‍ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવતા નકલી દારૂના સમગ્ર નેટવર્કની તપાસ વધુ ઊંડાણપૂર્વક થવાની શકયતા છે. તાજેતરના અહેવાલોમાં પણ લ્‍પ્‍ઘ્‍ તપાસ અને ચાર બુટલેગરોની કાર્યવાહીનો ઉલ્લેખ થયો છે.

ભાવનગર એસપી દ્વારા નકલી દારૂના સપ્‍લાય સાથે સંકળાયેલા ચાર બુટલેગરોને ઝડપી લઈ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસમાં નકલી ‘રોયલ સ્‍ટેગ'ની બોટલોમાં દારૂ ભરીને તેનું વેચાણ કરવામાં આવ્‍યું હોવાની શંકા છે. જપ્ત કરાયેલા જથ્‍થાના સેમ્‍પલ ફોરેન્‍સિક તપાસ માટે મોકલવામાં આવ્‍યા છે, જેથી તેમાં કયા પ્રકારનો ઝેરી પદાર્થ અથવા અન્‍ય હાનિકારક કેમિકલ ભેળવવામાં આવ્‍યું હતું તે જાણી શકાય. પોલીસ હવે આ જથ્‍થો ઉજ્જૈનથી ભાવનગર સુધી કેવી રીતે પહોંચ્‍યો, વચ્‍ચે કોણ કોણ સંકળાયેલું હતું અને ભાવનગરમાં કયા કયા વિસ્‍તારોમાં તેનો સપ્‍લાય થયો હતો તેની કડી જોડવામાં લાગી છે.

પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જો કોઈ વ્‍યક્‍તિએ આ ડુપ્‍લીકેટ દારૂનું સેવન કર્યું હોય તો હાલ તબિયત સારી લાગતી હોવા છતાં બેદરકારી ન રાખે અને તાત્‍કાલિક નજીકની સરકારી હોસ્‍પિટલ અથવા આરોગ્‍ય કેન્‍દ્રમાં જઈ તબીબી તપાસ કરાવે. નકલી દારૂના સેવન બાદ લક્ષણો દેખાવામાં સમય લાગી શકે છે, તેથી કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો તાત્‍કાલિક તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે.

ભાવનગરમાં નકલી દારૂના આ કાંડથી  અનેક સવાલો ઉભા થયા છે. ઉજ્જૈનથી ભાવનગર સુધી નકલી દારૂનો જથ્‍થો પહોંચ્‍યો કેવી રીતે, ૨૮ પેટીમાંથી બાકી રહેલી પેટીઓ કયાં ગઈ, શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં કેટલા લોકો સુધી આ દારૂ પહોંચ્‍યો અને આ ગેરકાયદે નેટવર્ક પાછળ વધુ કેટલા લોકો સંડોવાયેલા છે તે હવે SMC તથા પોલીસ તપાસના કેન્‍દ્રમાં રહેશે. તપાસ આગળ વધતાં નકલી દારૂના સમગ્ર નેટવર્ક અને તેના પાછળ રહેલા મુખ્‍ય સૂત્રધારો અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

(3:42 PM IST)