News of Thursday, 20th August 2026
ભાવનગર લઠ્ઠાકાંડઃ SMCનો મોટો ખુલાસો, મુખ્ય સૂત્રધારો સહિત ૧૩ આરોપીઓની અટકાયતઃ તપાસનો દોર અન્ય રાજ્યો સુધી લંબાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨૦: ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બનેલા લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમને મોટી સફળતા સાંપડી છે. તપાસ કરી રહેલી SMCની ટીમે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ભાવનગરમાં લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બની છે. આ કેસમાં કાર્યવાહી તેજ કરતા પોલીસે ઘટનામાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા ૧૩ જેટલા આરોપીઓની અટકાયત કરી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ ચર્ચિત કેસમાં કુલ ૨૧ વ્યક્તિઓ સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે પૈકી SMC ની સ્પેશિયલ ટીમે સઘન દરોડા પાડીને ૧૩ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઝડપાયેલા આરોપીઓમાં ગૌતમ, સારસ, જતીન, ધર્મેન્દ્રસિંહ, મંદીપસિંહ, પારસ, જયદીપ, ભાર્ગવ, વિવેક, હર્ષ, કેવલ, સુખદેવ અને હાર્દિકનો સમાવેશ થાય છે.
ગંભીરતાપૂર્વક હાથ ધરાયેલી પૂછપરછ દરમિયાન આ સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધાર તરીકે રઈસ અને ગૌતમના નામો ખુલીને સામે આવ્યા છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય સૂત્રધાર રઈસ અને નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોક્ટર' બંને જણા ઝેરી અને ડુપ્લિકેટ દારૂ બનાવવાની કેમિકલ ફોર્મ્યુલા સારી રીતે જાણતા હતા અને તેના આધારે જ આ કાળો કારોબાર ચલાવતા હતા.
બીજી તરફ, લઠ્ઠાકાંડ માટે ઉપયોગમાં લેવાયેલું રો-મટીરીયલ (કાચો માલ) કયાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યું હતું તે મૂળ સુધી પહોંચવા માટે SMC ની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ રો-મટીરીયલનાસ્ત્રોત શોધવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દિલ્હી, મધ્યપ્રદેશ અને હરિયાણા સહિતના રાજ્યોમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને સઘન તપાસ ચલાવી રહી છે.
આ ઉપરાંત, શાતિર આરોપી રઈસ અગાઉ ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં આવેલો છે અને રાજ્યમાં અન્ય કયાંય આવું નેટવર્ક કાર્યરત છે કે કેમ, તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને SMC દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ કાંડમાં વધુ કેટલાક મોટા ખુલાસાઓ અને વધુ ધરપકડો થાય તેવી પૂરી શકયતાઓ સેવાઈ રહી છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
