<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

જોડિયાના વાવડીમાં ખેડૂતોની અભૂતપૂર્વ એકતાઃ ખેતરોમાં વીજ લાઈનના મુદ્દે ગાંધીચીંધ્‍યા માર્ગે કિસાન સત્‍યાગ્રહ શરૂઃ ૬ ગામોના ખેડૂતો જોડાયાઃ સરપંચ સહિત ૭ આગેવાનો આમરણાંત ઉપવાસ પર, તંત્ર સમક્ષ યોગ્‍ય અને કાયમી ઉકેલ લાવવા હકારાત્‍મક માંગણી

ધ્રોલઃ જોડિયા તાલુકાના વાવડી ગામે ખેતીની જમીન અને ખેડૂત હિતના રક્ષણ કાજે સમગ્ર ગ્રામજનો અને આસપાસના વિસ્‍તારોના ખેડૂતોમાં અભૂતપૂર્વ એકતા અને ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં વીજ થાંભલા નાખવાની કામગીરી સામે ખેડૂતોએ પોતાની રજૂઆત શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે પહોંચાડવા માટે શ્રી રામદેવપીરજી મહારાજ મંદિર પરિસર ખાતે કિસાન સત્‍યાગ્રહ છાવણી  ઊભી કરી ગાંધીચીંધ્‍યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે. ગામના હિત અને ખેડૂતોના અધિકાર માટે વાવડી ગામના સરપંચ ભાવેશભાઈ સહિત ૭ અગ્રણીઓએ અન્નત્‍યાગ કરી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આ સત્‍યાગ્રહને સમર્થન આપવા માટે આસપાસના લીંબુડા, અણદા, ભાદરા, કેશીયા અને રામપર ગામના ખેડૂતો પણ મોટી સંખ્‍યામાં વાવડી ખાતે ઉમટી પડ્‍યા હતા. સત્‍યાગ્રહ છાવણીએ પહોંચેલા તમામ ખેડૂત ભાઈઓનું ગ્રામજનો દ્વારા ઢોલ-નગારા અને પારંપરિક સામૈયા સાથે ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું, જેનાથી સમગ્ર પંથકમાં ભાઈચારો અને એકતાનો માહોલ સર્જાયો છે. ખેડૂત આગેવાનોએ જણાવ્‍યું હતું કે, ખેડૂતો વિકાસના વિરોધી નથી પરંતુ તેમની લાગણી અને માંગણીઓને ધ્‍યાને રાખીને તંત્ર તેમજ વીજ કંપની દ્વારા યોગ્‍ય અને ખેડૂતલક્ષી સંવાદ સાધીને કાયમી નિરાકરણ લાવવામાં આવે. જ્‍યાં સુધી ખેડૂતોના હિતમાં સકારાત્‍મક નિર્ણય નહીં આવે ત્‍યાં સુધી આ શાંતિપૂર્ણ સત્‍યાગ્રહ ચાલુ રાખવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કરાયો છે. ગ્રામજનો અને ખેડૂતોની આ એકતા સમગ્ર પંથકમાં પ્રેરણારૂપ બની છે અને વહીવટી તંત્ર પણ ખેડૂતોના હિતમાં ઝડપથી સુખદ સમાધાન લાવે તેવી લોકમાંગ ઉઠી છે. વાવડી ગામના સરપંચ ભાવેશભાઈએ જણાવ્‍યું હતું કે, ખેડૂતોના હિત માટે ૭ આગેવાનો માત્ર પાણી પર રહી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જ્‍યાં સુધી તંત્ર અને વીજ કંપની યોગ્‍ય નિર્ણય નહીં કરે ત્‍યાં સુધી આ સત્‍યાગ્રહ યથાવત્‌ રહેશે. આ આંદોલનને ભાદરા સહિત આસપાસના ગામોના ખેડૂતોનું પણ મોટું સમર્થન મળી રહ્યું છે.(તસ્‍વીર. અહેવાલઃ સંજય ડાંગર ધ્રોલ)

(12:52 PM IST)