News of Saturday, 22nd August 2026
ભાવનગર લઠ્ઠાકાંડઃ વધુ ૧ મોતઃ મૃત્યુઆંક ૧૦: ૧૭ સારવારમાં
ભાવનગરની સર ટી. હોસ્પિટલ અને શહેર- જીલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્તઃ બોટાદ- અમરેલીથી પોલીસ જવાનોને બોલાવાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.રરઃ ભાવનગર લઠ્ઠાકાંડમાં આજે વધુ એક વ્યકિત હાર્દિક હરેશભાઇ કિલજીનું ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક ૯ થયો છે.
અત્યાર સુધીમાં ૬૧ લોકો અસરગ્રસ્ત થયા છે જેમાં ૩ ની હાલત અતિ ગંભીર છે. ૧૭ દર્દીઓ સારવારમાં છે.
ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્તોની સંખ્યા સતત વધી રહી છે અને આ દર્દનાક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૧૦ દર્દીઓની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટર મનિષ કુમાર બંસલે આપેલી આંકડાકીય માહિતી મુજબ, ૬૧થી વધુ લોકો ઝેરી દારૂ પીવાના કારણે અસરગ્રસ્ત થઈ સારવાર હેઠળ દાખલ થયા હતા. જેમાંથી ૧૫ દર્દીઓની સ્થિતિ સ્થિર છે, પાંચ દર્દી આઈસીયુમાં છે, ચાર અતિગંભીર છે અને એક દર્દી વેન્ટિલેટર પર છે. બીજી તરફ, યોગ્ય સઘન તબીબી સારવાર મળતા ૧૬ અસરગ્રસ્તોની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ અને ગાંધીનગરથી નિષ્ણાત તબીબોની સ્પેશિયલ ટીમ બોલાવવામાં આવી છે. ગાંધીનગરની IKD હોસ્પિટલમાંથી એક નેફ્રોલોજિસ્ટની ટીમે સર ટી. હોસ્પિટલ આવીને દર્દીઓની સ્થિતિની સમીક્ષા કરી હતી અને સ્થાનિક તબીબોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બનાવને પગલે સર .ટી .હોસ્પિટલ કેમ્પસમાં ભારે શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણ તંગ ન બને તે માટે હોસ્પિટલ ખાતે લોકલ પોલીસ સાથે એલસીબી સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ મુલાકાતે પહોંચતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જીગ્નેશ મેવાણી એ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
સમગ્ર ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે બોટાદ અને અમરેલીથી ૧૦૦થી વધુ વધારાના પોલીસ જવાનોને બોલાવીને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે બુટલેગરો સામે કડક ઝુંબેશ શરૂ કરીને અનેક સ્થળે દરોડા પાડ્યા છે તેમજ બુટલેગરોને પકડીને જેલહવાલે કર્યા છે. દરમિયાન, ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરીને આ ગંભીર ગુનામાં પકડાયેલા આરોપીઓ કે બુટલેગરોનો કેસ ન લડવાનો સ્પષ્ટ નિર્ણય કર્યો છે.
ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડના મુખ્ય
સૂત્રધાર રઈશ અન્સારીના ૯ દિવસના રિમાન્ડ પર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૨: ભારે ચર્ચાસ્પદ બનેલા અને વિવાદ સર્જનારા ભાવનગર ડુપ્લીકેટ (નકલી) દારૂકાંડના મુખ્ય સૂત્રધાર આરોપી રઈશ અન્સારી (ઉજ્જૈન)ને પોલીસે ઝડપી પાડ્યા બાદ આજે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આંતરરાજ્ય નેટવર્ક અને દારૂના કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા માટે આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે ૯ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવાનો મહત્વનો હુકમ કર્યો છે.
ભાવનગર અને આસપાસના વિસ્તારમાં બોગસ અને સાર્વજનિક આરોગ્ય માટે અત્યંત જોખમી એવો નકલી દારૂ બનાવવાનું કૌભાંડ તાજેતરમાં સામે આવ્યું હતું. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રે સ્પેશિયલ તપાસ હાથ ધરી હતી, જેમાં મુખ્ય કાવતરાખોર તરીકે રઈશ અન્સારીનું નામ ખુલ્લું પડ્યું હતું. આરોપી રઈશ અન્સારીની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી અને ગુનાના વધુ પુરાવા એકત્ર કરવા માટે તેને અદાલત સમક્ષ રજૂ કરાયો હતો.
સર્કિટ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂઆત કરી હતી કે આરોપી દ્વારા આચરવામાં આવેલું આ કળત્ય અત્યંત ગંભીર પ્રકારનું છે. નકલી દારૂ તૈયાર કરવા માટે કયાં કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો, આ ઝેરી કેમિકલ કયાંથી લાવવામાં આવતું હતું અને તેનું ઉત્પાદન કયા સ્થળે થતું હતું તે તમામ વિગતો મેળવવી અનિવાર્ય છે. આ ઉપરાંત, આ રેકેટમાં અન્ય કેટલા સ્થાનિક તેમજ બહારના રાજ્યના આરોપીઓ સંકળાયેલા છે અને આ ડુપ્લીકેટ દારૂનું નેટવર્ક કયાં-કયાં સુધી ફેલાયેલું છે તે તમામ કડીઓ જોડવા માટે આરોપીની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી હોવાથી ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી.જો કે અદાલતે પોલીસ તપાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રઈશ અન્સારીના ૯ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.
રિમાન્ડ મંજૂર થતાં જ પોલીસે આરોપીનો કબ્જો મેળવીને આગળની તપાસનો દોર ઝડપી બનાવ્યો છે. પોલીસ હવે આરોપીને સાથે રાખીને નકલી દારૂ બનાવવાના સ્થળો પર દરોડા પાડશે તેમજ દારૂના ખરીદ-વેચાણ સાથે જોડાયેલા સમગ્ર નેટવર્કને બસ્ટ કરવા માટેના ચક્ર ગતિમાન કરશે. આ તપાસ દરમિયાન દારૂકાંડ સાથે જોડાયેલા અન્ય કેટલાક મોટા ચહેરાઓ અને સપ્લાયર્સના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શકયતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રઈશ અન્સારી ઉજ્જૈન નો છે અને તે નકલી દારૂ બનાવવા ભાવનગર આવ્યો હતો
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
