<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

જામનગર પાસે સૈનિક સ્કૂલ બાલાચડીમાં જ્ઞાનનો જંગ: 'ક્વિઝટિવલ-26' ઇન્ટર હાઉસ જીકે ક્વિઝમાં પ્રતાપ હાઉસ ચેમ્પિયન : 7 સિનિયર હાઉસની 42 કેડેટ્સ વચ્ચે 5 રાઉન્ડની રોમાંચક સ્પર્ધા

સરદાર પટેલ હાઉસ બીજા અને આંગ્રે હાઉસ ત્રીજા ક્રમે - નિવૃત્ત વિંગ કમાન્ડર કે. મારુતિ દેવી મુખ્ય અતિથિ, આચાર્ય ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડેએ વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કર્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ : જામનગર નજીક આવેલી પ્રતિષ્ઠિત સૈનિક સ્કૂલ બાલાચડી* ખાતે કેડેટ્સમાં સામાન્ય જ્ઞાન અને જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે 'ક્વિઝટિવલ-26' અંતર્ગત આંતર-હાઉસ સામાન્ય જ્ઞાન ક્વિઝ સ્પર્ધાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નિવૃત્ત વિંગ કમાન્ડર કે. મારુતિ દેવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

 

સ્પર્ધામાં સૈનિક સ્કૂલના સાત સિનિયર હાઉસમાંથી છ-છ કેડેટ્સની ટીમ એટલે કુલ 42 કેડેટ્સે ભાગ લીધો હતો. વિવિધ ક્ષેત્રો જેવા કે ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કરંટ અફેર્સ અને સંરક્ષણને આવરી લેતા પ્રશ્નો સાથે સ્પર્ધાને પાંચ રાઉન્ડમાં યોજવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ જ્ઞાનવર્ધક અને અત્યંત રોમાંચક બન્યો હતો.પ્રથમ સ્થાન પ્રતાપ હાઉસ,દ્વિતીય સ્થાન સરદાર પટેલ હાઉસ,તૃતીય સ્થાન આંગ્રે હાઉસ.

સામાજિક વિજ્ઞાન વિભાગના વડા  રાઘેશ પી. આર.એ ક્વિઝ માસ્ટર તરીકે સ્પર્ધાનું સફળ અને રસપ્રદ સંચાલન કર્યું હતું.

 

સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડે દ્વારા વિજેતા હાઉસને ટ્રોફી તથા વિજેતા કેડેટ્સને પ્રમાણપત્રો અને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે વિજેતા હાઉસને અભિનંદન પાઠવી તમામ સહભાગી કેડેટ્સના ઉત્સાહ અને પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને આવા કાર્યક્રમો કેડેટ્સના સર્વાંગી વિકાસ માટે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી, સ્ટાફના સભ્યો તથા મોટી સંખ્યામાં કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જ્ઞાન, ઉત્સાહ અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવનાથી ભરપૂર રહ્યો હતો.

(2:58 PM IST)