News of Saturday, 22nd August 2026
જૂનાગઢ મનપામાં પદાધિકારીઓની મનમાની સામે કર્મચારીઓનો વિરોધ: ડેપ્યુટી મેયરના આક્ષેપો બાદ વિપક્ષે આપી ઉગ્ર આંદોલનની ચીમકી
સ્ટ્રીટ લાઈટ શાખાના સુપરવાઈઝરની મનસ્વી રીતે બદલી કરવા મામલે રાજકારણ ગરમાયું; કર્મચારીઓના શોષણ સામે કમિશનરને રજૂઆત.

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકામાં શાસક પક્ષના પદાધિકારીઓની કથિત તાશાશાહી, મનમાની અને દાદાગીરીનો મામલો હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. મનપાના ચૂંટાયેલા પદાધિકારીઓ, ખાસ કરીને ડેપ્યુટી મેયર આકાશ કટારા પર પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય રોફ જમાવવા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓને ટાર્ગેટ કરવાનો ગંભીર આક્ષેપ મુકાયો છે. શહેરમાં બિસ્માર રસ્તાઓ અને પ્રજાના ટેક્સના પૈસાના વેડફાટ જેવા મોટા પ્રશ્નો ઉકેલવાને બદલે નાના અને પ્રામાણિક કર્મચારીઓને હેરાન કરી તેમની બદલીઓ કરાવવામાં આવી રહી હોવાનો વિપક્ષે આકરો આક્ષેપ કર્યો છે.
સમગ્ર વિવાદ મનપાની સ્ટ્રીટ લાઈટ શાખાના સુપરવાઈઝર તુલસીભાઈ જુમાણીની મનસ્વી બદલીના પત્રથી શરૂ થયો છે. દૈનિક ૧૫૦ થી ૨૦૦ જેટલી ફરિયાદોનું ૨૪ કલાકમાં નિવારણ લાવતા આ કર્મચારી સામે ડેપ્યુટી મેયરે ખોટા આક્ષેપો મૂકી, સોનાપુર ખાતે બદલી કરવા મ્યુનિસિપલ કમિશનરને લેટર લખ્યો છે. આરોપ છે કે ડેપ્યુટી મેયરે વોર્ડ નંબર ૯ માં સ્ટ્રીટ લાઈટની કોઈ પણ કમ્પ્લેન આવે તો પહેલા પોતાની પરવાનગી લેવા જણાવ્યુ હતું. કર્મચારીએ જનહિતને પ્રાધાન્ય આપી નિયમ મુજબ કામ ચાલુ રાખતા રોષે ભરાયેલા ડેપ્યુટી મેયરે તેમના પર દારૂ પીવાના અને કામ ચારી કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
આ મામલે લાઈટ નિરીક્ષકે પણ સામે આવીને ડેપ્યુટી મેયરના દાવાઓને પૂર્વગ્રહદૂષિત અને પાયાવિહોણા ગણાવ્યા છે. કર્મચારીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ પણ પક્ષપાત વગર નિર્ધારિત સમય કરતા વધુ સમય ફાળવીને પ્રજાની સેવા કરે છે. બીજી તરફ, વિપક્ષી નેતાઓએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરીને આ ગેરવ્યાજબી બદલી તાત્કાલિક રદ કરવા માંગ કરી છે. વિપક્ષે ચીમકી આપી છે કે જો ભાજપના પદાધિકારીઓ દ્વારા કર્મચારીઓનું ટોર્ચરિંગ અટકાવવામાં નહીં આવે તો મહાનગરપાલિકા ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
