<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

ભાવનગર દારૂકાંડ બાદ અરવલ્લી પોલીસની ડિજિટલ અને ગ્રાઉન્ડ સ્ટ્રાઈક: ૮ મહિનામાં ૨૮ કરોડનો દારૂ જપ્ત, ૪,૪૫૭ બૂટલેગરો સામે કાર્યવાહી

રાજસ્થાન સરહદે રતનપુરથી ઝાંઝરી સુધી રાઉન્ડ ધ ક્લોક નાકાબંધી અને બાયોમેટ્રિક ચેકિંગ; છેલ્લા ૩ દિવસમાં વધુ ૧૭૦ કેસ નોંધી ૩૮ આરોપીઓને જેલભેગા કરાયા.

મોડાસા (અરવલ્લી) : ભાવનગર ખાતે સર્જાયેલા નકલી દારૂકાંડની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો અને બૂટલેગરો સામે ગૃહ વિભાગે લાલ આંખ કરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ગુજરાત-રાજસ્થાનની સંવેદનશીલ સરહદ પર આવેલા અરવલ્લી જિલ્લાની પોલીસે વિદેશી દારૂની ગેરકાયદે ઘૂસણખોરી અને હેરાફેરીના નેટવર્કને ધ્વસ્ત કરવા માટે આક્રમક ઝુંબેશ ચલાવીને મોટો સપાટો બોલાવ્યો છે. સરહદી ચેકપોસ્ટો પર રાઉન્ડ ધ ક્લોક સઘન સુરક્ષા અને ચેકિંગ ગોઠવીને પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક લગામ લગાવી છે.

 

પોલીસ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, છેલ્લા ૮ મહિનાના ટૂંકા ગાળામાં અરવલ્લી પોલીસે બૂટલેગરો વિરુદ્ધ મોટો ધડાકો કરતા રૂ. ૨૮ કરોડની કિંમતનો ગેરકાયદેસર દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ સમયગાળા દરમિયાન ૯૬ જેટલા મોટા દારૂના દરોડા સહિત કુલ ૪,૨૭૮ પ્રોહીબિશન ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. દારૂની ગેરકાયદે હેરફેર અને સપ્લાય ચેઇનમાં સંડોવાયેલા કુલ ૪,૪૫૭ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

 

સરહદી વિસ્તાર એવા રતનપુરથી લઈને ઝાંઝરી સુધીના સમગ્ર બોર્ડર બેલ્ટ પર પોલીસની વિશેષ ટીમો દ્વારા આધુનિક ટેકનોલોજી અને ગુપ્ત બાતમીદારોના નેટવર્ક વડે ચોવીસે કલાક વોચ રાખવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસની વિશેષ ક્રેકડાઉન ડ્રાઇવ દરમિયાન પોલીસે વધુ ૧૭૦ પ્રોહીબિશન કેસ નોંધીને રૂ. ૨.૮૭ લાખનો દારૂ કબજે કર્યો છે તથા ૩૮ આરોપીઓની ધરપકડ કરી છે.

 

અરવલ્લી DySP જે.ડી.વાઘેલાએ જણાવ્યા મુજબ, મેઘરજથી લઈને ભિલોડા સુધીના તમામ નાકા પોઈન્ટ્સ પર ૨૪ કલાક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રોહિબિશન તેમજ NDPS એક્ટ હેઠળ કડક ગુના નોંધીને ગુનેગારો સામે પાસા અને તડીપાર જેવી કાર્યવાહી પણ પ્રક્રિયા હેઠળ છે. રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નશીલા પદાર્થોનો પ્રવેશ સંપૂર્ણપણે અટકાવવા માટે પોલીસની આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.

 

(10:39 PM IST)