News of Saturday, 22nd August 2026
પોણી પટ્ટીની ખેડૂતપુત્રીની કમાલ: ધોરણ-૯ ની નેહલ ઝાપડીયાએ નેશનલ તાઈકવોન્ડોમાં બ્રોન્ઝ મેડલ જીતી બોટાદનું નામ રોશન કર્યું
મર્યાદિત સાધનો અને આકરી તાલીમ વચ્ચે ઝળકી બોટાદની દીકરી; આ અગાઉ નેશનલમાં સિલ્વર અને રાજ્ય કક્ષાએ ૯ મેડલ જીતી ચુકી છે પ્રતિભાશાળી નેહલ.

ભાવનગર (બોટાદ) : સાચું સમર્પણ અને અડગ સંકલ્પ હોય તો અભાવ વચ્ચે પણ સફળતાના શિખરો સર કરી શકાય છે, તે બોટાદની ખેડૂતપુત્રી નેહલ ઝાપડીયાએ સાબિત કરી બતાવ્યું છે. બોટાદની ‘શ્રી આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય’ (DLSS) માં ધોરણ-૯ માં અભ્યાસ કરતી ઝાપડીયા નેહલબેન હરેશભાઈએ મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાયેલી ૫મી નેશનલ તાઈકવોન્ડો ચેમ્પિયનશિપમાં દેશભરના ઉત્કૃષ્ટ ખેલાડીઓ વચ્ચે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. નેહલની આ સિદ્ધિથી શાળા પરિવાર તેમજ સમગ્ર બોટાદ જિલ્લામાં ખુશીની લહેર ફરી વળી છે.
નેહલ એક અત્યંત સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેના પિતા દિવસ-રાત ખેતરમાં પસીનો પાડીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક મર્યાદાઓ અને સંસાધનોના અભાવ વચ્ચે પણ નેહલે ક્યારેય પોતાના સપનાઓ સાથે સમજૂતી કરી નહોતી. રમત પ્રત્યેની તેની શિસ્ત અને નિષ્ઠાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે અભ્યાસની સાથે દરરોજ સવાર-સાંજ મળીને આશરે ૫ થી ૬ કલાક તાઈકવોન્ડોની આકરી પ્રેક્ટિસ કરે છે. ભણતર અને રમતગમત વચ્ચેનું આદર્શ સંતુલન તેની સમય વ્યવસ્થાપનની અદભુત ક્ષમતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય મંચ પર નેહલની આ પ્રથમ સફળતા નથી. આ અગાઉ પણ તે નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ જીતી ચૂકી છે, જ્યારે રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ૨ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૪ બ્રોન્ઝ સહિત કુલ ૯ મેડલ પોતાના નામે કરી ચૂકી છે. નેહલની આ સફળતા પાછળ તેના માતા-પિતાના પ્રોત્સાહન ઉપરાંત તેના કોચ અજય મોર્ય અને ટ્રેનર પટેલ હેપ્પીનું સચોટ માર્ગદર્શન રહ્યું છે. ખેડૂતની આ દીકરીની સંઘર્ષગાથા આજે રાજ્યના અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્રોત બની છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
