<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ચોટીલા ચામુંડા રોડ ચાર રસ્તા નજીક જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં એક વ્યક્તિનો વીડિયો સામે આવતા ચકચાર

પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે બનેલી ઘટનાને લઈને પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા :બંધ દુકાનના ઓટલા પર દારૂ પીધા બાદ શટલ પર પાટા મારતો વ્યક્તિ વીડિયોમાં દેખાયો

ચોટીલા ચામુંડા રોડ ચાર રસ્તા નજીક જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં એક વ્યક્તિનો વીડિયો સામે આવતા ચકચાર મચી છે. યાત્રાધામ ચોટીલામાં પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે જાહેરમાં દારૂની મહેફિલ જેવો માહોલ જોવા મળતાં દારૂબંધીના અમલ સામે સવાલો ઊભા થયા છે.

વીડિયોમાં એક વ્યક્તિ બંધ દુકાનના ઓટલા ઉપર દારૂ પીધેલી હાલતમાં જોવા મળે છે. દારૂ પીધા બાદ તેણે દુકાનના શટલ ઉપર પાટા મારતા અને જાહેરમાં બેફામ વર્તન કર્યું છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે જ્યાં આ દ્રશ્યો જોવા મળ્યા તે સ્થળ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે  છે. આવી સ્થિતિમાં પોલીસની નજરથી આ પ્રકારની પ્રવૃત્તિ કેવી રીતે દૂર રહી તે અંગે સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે.

 

ચોટીલા ગુજરાતનું જાણીતું યાત્રાધામ છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ચામુંડા માતાના દર્શન માટે આવે છે. ત્યારે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં વ્યક્તિના દ્રશ્યો સામે આવતા યાત્રાધામની છબીને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આવા બનાવો સામે તંત્રએ ગંભીરતાથી કાર્યવાહી કરવી જરૂરી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં વ્યક્તિ જોવા મળતાં ફરી એકવાર દારૂબંધીના કડક અમલને લઈને ચર્ચા તેજ બની છે. ખાસ કરીને યાત્રાધામ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આવી ઘટના સામે આવતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

(8:51 PM IST)