<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

કચ્છના પ્રશ્નો અને જનતાના હક્કોની લડાઈ હવે ગાંધીનગર સુધી પહોંચશે : ભુજમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ગર્જના

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રવક્તા મનીષ દોશીના બે દિવસીય કચ્છ પ્રવાસે રાજકારણ ગરમાવ્યું : પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ અને વીજ લાઈન પ્રશ્ને ખેડૂતો સાથે યોજ્યો સંવાદ : ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાના બે દિવસીય કચ્છ પ્રવાસ દરમિયાન ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સ્થાનિક પ્રશ્નો અને જનતાના હક્કો મુદ્દે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. અમદાવાદથી મુંદ્રા વિમાન માર્ગે આગમન સમયે એરપોર્ટ પર જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભુજ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કચ્છના પ્રશ્નોને મજબૂતીથી વાચા આપવાની જાહેરાત કરી હતી.

 

પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાની જનતાના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ અને તેમના અધિકારોની લડાઈ હવે માત્ર કચ્છ પૂરતી સીમિત નહીં રહે. ગુજરાત કોંગ્રેસ કચ્છના લોકોનો અવાજ બનીને ગાંધીનગર સરકાર સુધી પહોંચાડશે અને તેમના હક્કો માટે વિધાનસભાથી લઈને રસ્તાઓ સુધી મજબૂત આંદોલન ચલાવશે.

 

પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ વિવિધ વર્ગો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટવા મુદ્દે પીડિત વિદ્યાર્થીઓ સાથે તેમજ ખેતરોમાંથી વીજ લાઈન પસાર કરવાના પ્રશ્ને ખેડૂતો સાથે રૂબરૂ મળીને તેમની સમસ્યાઓ સાંભળી હતી.

 

આ ઉપરાંત, ભુજ ખાતે પત્રકાર પરિષદ પહેલાં જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક પણ યોજાઈ હતી. જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સંગઠનની પુનઃરચના અંગે ચર્ચા કરતાં સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત કરવા પર ભાર મુકાયો હતો. પક્ષના કાર્યકરોને પ્રજાની વચ્ચે જઈને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર બનવા આદેશ આપવામાં આવ્યા હતા.

 

પ્રવાસ દરમિયાન ભાજપ સરકારની નીતિઓથી નારાજ થયેલા કેટલાક સ્થાનિક અગ્રણીઓ અને ભાજપના કાર્યકરો વિધિવત રીતે કોંગ્રેસ પરિવારમાં જોડાયા હતા, જેમને પ્રદેશ પ્રમુખે ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ સાથે જ કચ્છમાં પીવાના પાણીની અછત, સ્થાનિક ઉદ્યોગોમાં કચ્છના યુવાનોને રોજગારી ન મળવી અને સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવીને ભાજપ સરકાર દ્વારા કચ્છની કરવામાં આવતી ઉપેક્ષા અંગે વિરોધ નોંધાવી આગામી દિવસોમાં ઘેરાવ કરવાની ચીમકી આપી હતી.

(5:06 PM IST)