News of Wednesday, 26th August 2026
વરસાદ ખેંચાતા વિરપુર (જલારામ) પંથકના ખેડૂતોની ચિંતા વધી
મગફળી,કપાસ,સોયાબીન સહિતના પાકો મુરઝાવા લાગ્યા : ખર્ચના ૭૦થી ૮૦ ટકા ખર્ચાઈ ગયા બાદ પાક બચાવવો મુશ્કેલ...

(કિશન મોરબીયા દ્વારા)વિરપુર (જલારામ) તા.૨૬: વિરપુર (જલારામ) પંથકના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતમાં ઠીકઠાક વરસાદ થતાં ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીન, મરચી સહિતના વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાકના અંકુર ફૂટયા હોવા છતાં હવે વરસાદ ખેંચાતા અનેક ખેતરોમાં પાક મુરઝાવા અને સુકાવા લાગ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે વાવેલા બીજ જમીનમાં જ પડ્યા રહેતા પાકનો યોગ્ય ઉગાવો પણ થયો નથી.
વરસાદ ખેંચાતા કુવા, બોર અને તળાવના પાણીના સ્તર પણ નીચે જતા રહ્યા છે. જેના કારણે ખેડૂતો સામે પાકને પિયત પાણી આપવાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. હાલ પાકને પાણીની સૌથી વધુ જરૂરિયાત છે ત્યારે જ વરસાદ ખેંચાતા ખેડૂતો પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે.
ખાસ કરીને મગફળીનો પાક પીળો પડવા લાગ્યો છે. ગરમી અને ભેજના અભાવને કારણે પાકમાં જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને વધારાનો ખર્ચ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડી રહ્યો છે. મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિતના ખર્ચને કારણે ખેડૂતોનો એક વીઘે અંદાજે ૭૦થી ૮૦ ટકા જેટલો ખર્ચ થઈ ચૂકયો છે. હવે સમયસર વરસાદ નહીં આવે તો કરવામાં આવેલો મોટો ખર્ચ વ્યર્થ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
વરસાદના અભાવે કેટલાક ખેડૂતોએ એક જ પાકનું બે વખત વાવેતર કરવું પડ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે ખેતીનો ખર્ચ બમણો થયો છે. કપાસના છોડ પણ વરસાદના અભાવે સુકાવા લાગ્યા છે અને આગામી સમયમાં ઉત્પાદન પર તેની સીધી અસર થવાની શકયતા છે. બીજી તરફ વરસાદની ખેંચને કારણે પશુઓ માટે જરૂરી ઘાસચારાની અછત સર્જાવાની પણ ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે.
એક તરફ મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરીનો વધતો ખર્ચ અને બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારની અસર પણ પાક પર જોવા મળી રહી છે. પાકને બચાવવા પિયત કરવું કે વરસાદની રાહ જોવી, તે અંગે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.
સરકાર દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવવામાં આવે અને પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે. જો સ્થિતિ ગંભીર હોય તો અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને જરૂરી રાહત અને સહાય આપવામાં આવે. તેવી ખેડૂતોની માંગ છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
