<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

ટંકારાના ગોડાઉનમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં મોટો ગોટાળોઃ ખેડૂતનો માલ ચાઉં કરી બિલ ન બનાવ્‍યું

પુરવઠા વિભાગની તપાસમાં કૌભાંડનો પર્દાફાશઃ જવાબદાર સામે ગાંધીનગર સુધી રિપોર્ટઃ ઓટાળાના ખેડૂત સાથે છેતરપિંડીઃ ૪૧૫૦ કિલો ઘઉં જમા લીધા છતાં બિલ ન મળતા અને ખાતામાં પૈસા પણ ન આવતા ખેડૂત આર્થિક સંકડામણમાં

ટંકારાઃ ઘઉં ખરીદી કેન્‍દ્ર ઉપર વીઝીટ વેળાની જીલ્લા કલેક્‍ટરની ફાઈલ તસ્‍વીર.(તસ્‍વીરઃ જયેશ ભટાસણા, ટંકારા)

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા, તા.૨૬: ટંકારાના સસ્‍તા અનાજના ગોડાઉનમાં ટેકાના ભાવે (MSP) ઘઉંની ખરીદીમાં મોટો ગોટાળો પ્રકાશમાં આવ્‍યો છે. એક ખેડૂતે પોતાનો માલ વેચ્‍યા બાદ તેમને બિલ ન આપી તેમની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્‍યો હોવાની વિગતો સામે આવતા પુરવઠા વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડનો રિપોર્ટ છેક ગાંધીનગર સુધી પહોંચતા આગામી દિવસોમાં મોટા ધડાકા થવાના એંધાણ મળી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના ઓટાળા ગામના ખેડૂત ધર્મેન્‍દ્રભાઈ નાનજીભાઈ ઘોડાસરાએ રવિ માર્કેટિગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ટેકાના ભાવે ઘઉં વેચવા ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું. તારીખ ૧૧/૦૬/૨૦૨૬ ના રોજ તેમને ટોકન નંબર ૪૦ આપવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ તારીખ ૧૨/૦૬/૨૦૨૬ ના રોજ ટંકારા ખરીદ કેન્‍દ્ર ખાતે તેમણે ૪૧૫૦ કિલો (૮૩ ગુણી) ઘઉં જમા કરાવ્‍યા હતા. ગ્રેડિગ સ્‍ટાફ દ્વારા માલ પાસ કરી ગ્રેડિગ રિપોર્ટ (નંબર ૬૪૧) પણ આપવામાં આવ્‍યો હતો. પરંતુ ગોડાઉનમાં ફરજ બજાવતા લોકો દ્વારા ખેડૂતને પાકું કમ્‍પ્‍યુટર બિલ (MSP રસીદ) આપવામાં આવી ન હતી. ખેડૂતને એમએસપી રસીદ ન મળતા તેમના બેંક ખાતામાં ઘઉંના વેચાણની રકમ જમા થઈ ન હતી. આ અંગે ગોડાઉન મેનેજરનો સંપર્ક કરતા તેમણે આવી કોઈ ખરીદી થઈ જ ન હોવાનો ઉડાઉ જવાબ આપી ખેડૂતને ધક્કે ચડાવ્‍યા હતા.

આથી ખેડૂતની હાલત કફોડી બનતા તેમણે ન્‍યાય માટે સ્‍વાગત પોર્ટલ અને જિલ્‍લા પુરવઠા અધિકારી, મોરબીને લેખિતમાં પુરાવા સાથે રજૂઆત કરી હતી. આ ગંભીર બાબતે મોરબી જિલ્‍લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કમિટી નીમી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખેડૂતે પોતાનો જથ્‍થો ગોડાઉનમાં ઠાલવ્‍યો હોવાની તમામ પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું ખૂલ્‍યું હતું. સીસીટીવી ફૂટેજમાં પણ ખેડૂતે ૪૧૫૦ કિલો (૮૩ કટ્ટા) ઘઉં વેચાણ કર્યાની પુષ્ટિ થઈ હતી, છતાં ગોડાઉન મેનેજર દ્વારા ઈરાદાપૂર્વક છબરડો કરી રસીદ ન બનાવી હોવાનું સામે આવ્‍યું છે.

આ પ્રકરણમાં જિલ્‍લા પુરવઠા અધિકારી દ્વારા ટંકારા ગોડાઉનના ઓપરેટર મનિષ ગેડિયાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં ગંભીર ફરજભંગ અને બેદરકારી દાખવવા બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી શા માટે ન કરવી તે અંગે રૂબરૂ ખુલાસો માંગવામાં આવ્‍યો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્‍ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની વડી કચેરી દ્વારા ટંકારાના ગોડાઉન મેનેજર વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવા અને સદર ખેડૂત દ્વારા વેચવામાં આવેલ ઘઉંના કટ્ટાની કિમતની રિકવરી કરવા માટેનો ધગધગતો રિપોર્ટ ગાંધીનગર ખાતે કરવામાં આવ્‍યો છે. વધુમાં, જો જરૂર જણાશે તો આ મામલે ફોજદારી રાહે પગલાં ભરવાની પણ સ્‍પષ્ટ ચીમકી આપવામાં આવી છે

(10:51 AM IST)