<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

જામનગરની ઔદ્યોગિક શક્‍તિને રાષ્‍ટ્રીય અને વૈશ્વિક બજારો સાથે જોડશે ભારત બિલ્‍ડકોન ૨૦૨૭

વન નેશન. વન એક્‍સ્‍પો.ના વિઝન સાથે એમએસએમઈ, ઉત્‍પાદન ઉદ્યોગો અને નિકાસને મળશે નવી દિશાઃ ‘વિકસિત ભારત ૨૦૪૭'ના લક્ષ્યને મળશે વેગઃ ૩,૫૦૦થી વધુ બ્રાસ એમએસએમઈ એકમો અને ૩૫,૦૦૦થી વધુ રોજગારી સાથે જામનગરના ઔદ્યોગિક ક્‍લસ્‍ટરને મળશે વૈશ્વિક બી૨બી તકોનું નવું પ્‍લેટફોર્મ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: ભારતના બિલ્‍ડીંગ મટિરિયલ્‍સ, બાંધકામ, મેન્‍યુફેક્‍ચરિંગ અને સંલગ્ન ઉદ્યોગોને એક જ રાષ્‍ટ્રીય અને વૈશ્વિક વ્‍યાપારિક મંચ પર લાવવાના હેતુથી ભારત બિલ્‍ડકોન ૨૦૨૭ની પ્રેસ કોન્‍ફરન્‍સ જામનગર ખાતે યોજાઈ હતી. ૩ થી ૬ જૂન, ૨૦૨૭ દરમિયાન નવી દિલ્‍હીના યશોભૂમિ (ઇન્‍ડિયા ઇન્‍ટરનેશનલ કન્‍વેન્‍શન એન્‍ડ એક્‍સ્‍પો સેન્‍ટર) ખાતે યોજાનાર ભારત બિલ્‍ડકોન ૨૦૨૭ દેશના વિવિધ ઔદ્યોગિક ક્‍લસ્‍ટર્સ, એમએસએમઈ, ઉત્‍પાદકો, નિકાસકારો, ખરીદદારો અને વૈશ્વિક પ્રતિનિધિઓને એક જ પ્‍લેટફોર્મ પર જોડશે. આ અભિયાનનો મુખ્‍ય હેતુ દેશના વિવિધ ઔદ્યોગિક શહેરોને નવા બજારો, વૈશ્વિક ખરીદદારો, સરકારી સંસ્‍થાઓ, રોકાણકારો અને નિકાસની તકો સાથે સીધા જોડવાનો છે.

કેપેક્‍સિલના સિરામિક પેનલના ચેરમેન નિલેશ જેતપરીયા એ જણાવ્‍યું હતું કે, ભારતીય ઉત્‍પાદકો ગુણવત્તા, નવીનતા અને વૈશ્વિક સ્‍પર્ધામાં સક્ષમ છે. જામનગર જેવા ઔદ્યોગિક ક્‍લસ્‍ટર્સને આંતરરાષ્‍ટ્રીય ખરીદદારો સાથે સીધા જોડવાથી માત્ર નિકાસમાં જ વધારો નહીં થાય, પરંતુ બ્રાન્‍ડ ઇન્‍ડિયાને વૈશ્વિક સ્‍તરે વધુ મજબૂતી મળશે.

ભારત બિલ્‍ડકોનના ડિરેક્‍ટર તથા બોર્ડ ઑફ ટ્રેડના સભ્‍ય જિતેન્‍દ્ર કથીરિયાએ જણાવ્‍યું હતું કે , ભારત બિલ્‍ડકોન માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ ભારતના ઉદ્યોગોને વૈશ્વિક વેપાર સાથે જોડતું રાષ્‍ટ્રીય આંદોલન છે. વન નેશન. વન એક્‍સ્‍પો.ના વિઝન હેઠળ અમે દેશના દરેક ઔદ્યોગિક શહેરને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા માંગીએ છીએ. આ પ્‍લેટફોર્મ ભારતના મેન્‍યુફેક્‍ચરિંગ, એમએસએમઈ અને નિકાસ ક્ષેત્રને નવી દિશા આપશે.

ભારત બિલ્‍ડકોનના ડિરેક્‍ટર વિજય અઘારાએ જણાવ્‍યું હતું કે, જામનગરની ઔદ્યોગિક ઓળખ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નથી. અહીંના ઉત્‍પાદનો વિશ્વના અનેક દેશોમાં પહોંચે છે. ભારત બિલ્‍ડકોન ૨૦૨૭ દ્વારા અમે જામનગરના ઉદ્યોગકારોને નવા ખરીદદારો, વૈશ્વિક બજારો, સરકારી એજન્‍સીઓ અને મોટા પ્રોજેક્‍ટ્‍સ સાથે જોડવા માટે એક શક્‍તિશાળી બિઝનેસ પ્‍લેટફોર્મ ઉપલબ્‍ધ કરાવી રહ્યા છીએ.

ગુજરાત ભારતના કુલ માલ નિકાસમાં અંદાજે ૩૦ ટકા યોગદાન આપતું અગ્રણી ઔદ્યોગિક રાજ્‍ય છે. ભારત બિલ્‍ડકોન ૨૦૨૭ જામનગર સહિત ગુજરાતના ઉદ્યોગોને નવા રાષ્‍ટ્રીય અને વૈશ્વિક ખરીદદારો સાથે જોડીને નિકાસ, રોકાણ, B2B ભાગીદારી અને નવી વ્‍યાપારિક તકો વધારશે, જે સ્‍થાનિક રોજગારી, ઉત્‍પાદન ક્ષમતા અને રાજ્‍ય તેમજ દેશના આર્થિક વિકાસને વધુ ગતિ આપશે.

પ્રેસ કોન્‍ફરન્‍સમાં કેપેક્‍સિલના સિરામિક પેનલના ચેરમેન નિલેશ જેતપરિયા, ભારત બિલ્‍ડકોનના ડિરેક્‍ટર તથા બોર્ડ ઑફ ટ્રેડના સભ્‍ય જિતેન્‍દ્ર કથીરિયા, ભારત બિલ્‍ડકોનના ડિરેક્‍ટર વિજય અઘારા, ડ્રીમ ડેકોર ગ્રુપના સ્‍થાપક અને મેનેજિંગ ડિરેક્‍ટર તથા એએફએમટી ના મેમ્‍બર ભાસ્‍કર રાઠોડ, એટલાસ મેટલ ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્‍ટર રાજેશ ચાંગાણી, ડ્રીમ ટેક હાર્ડવેરના મેનેજિંગ ડિરેક્‍ટર તથા આરએચએમએના કમિટી મેમ્‍બર કલ્‍પેશ દુધાતરા અને પેરડિયમ ઇન્‍ડસ્‍ટ્રીઝના મેનેજિંગ ડિરેક્‍ટર અમરીશ પટેલ સહિત ઉદ્યોગ જગતના અગ્રણી પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:15 PM IST)