<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

હોકીના જાદુગર મેજર ધ્‍યાનચંદની જન્‍મજયંતી નિમિત્તે જૂનાગઢમાં ‘રાષ્‍ટ્રીય રમત દિવસ ખેલકુદ સપ્તાહ'નો પ્રારંભ

સરદાર પટેલ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ ખાતે યોજાયેલી જિલ્લાકક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્‍સ સ્‍પર્ધામાં જિલ્લાભરના ૧,૫૦૦થી વધુ ખેલાડીઓએ દેખાડ્‍યો જુસ્‍સો : ગાંધીગ્રામ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના રમતોત્‍સવમાં કલેક્‍ટર સહિત મહાનુભાવો ઉપસ્‍થિત : રમતથી મોટું કોઈ એજ્‍યુકેશન નથી, આજના ખેલાડીઓ જ આવતીકાલના રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ચેમ્‍પિયન છેઃ યોગેશ ચૌધરી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૬: જૂનાગઢ ક્રીડા ભારતી દ્વારા હોકીના જાદુગર અને મહાન ખેલાડી મેજર ધ્‍યાનચંદજીની જન્‍મજયંતી નિમિત્તે તા.૨૩/૦૮/૨૦૨૬ થી તા.૨૯/૦૮/૨૦૨૬ દરમિયાન ‘રાષ્‍ટ્રીય રમત દિવસ ખેલકુદ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા.૨૫/૦૮/૨૦૨૬ના રોજ સરદાર પટેલ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે શાળાકીય રમતોત્‍સવ અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથલેટીક્‍સ ભાઈઓની સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ જિલ્લાકક્ષાની વિવિધ સ્‍પર્ધાઓમાં જુનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી વિજેતા થયેલા ૧,૫૦૦થી વધુ ખેલાડી ભાઈઓએ ઉત્‍સાહભેર ભાગ લઈ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્‍યામાં ખેલાડીઓની ઉપસ્‍થિતિથી સમગ્ર સરદાર પટેલ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ રમતગમતના ઉત્‍સાહથી ગુંજી ઉઠ્‍યું હતું.

આ પ્રસંગે કલેક્‍ટર યોગેશ ચૌધરી, વિભાગીય નિયામક વી.એસ. ડાંગર, સદસ્‍ય ગુજરાત રાજ્‍ય પરીક્ષા બોર્ડ  નીલેશભાઈ સોનારા, સદસ્‍ય ગુજરાત સાહિત્‍ય સમિતિ ડો. વિશાલભાઈ જોશી, મહામંત્રી સૌરાષ્‍ટ્ર પ્રાંત ક્રીડા ભારતી શ્રી અશોકભાઈ ગાંધી, ક્રીડા ભારતી જૂનાગઢના ડો. પ્રકાશભાઈ હાથ તથા જિલ્લા રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયા ઉપસ્‍થિત રહી ખેલાડીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.

આ પ્રસંગે કલેક્‍ટર યોગેશ ચૌધરીએ ખેલાડીઓને પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવ્‍યું હતું કે, ‘રમતથી મોટું કોઈ એજ્‍યુકેશન નથી.' રમતગમત વ્‍યક્‍તિને માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે.

મેદાન પર મળતી જીત અને હાર બંનેમાંથી જીવનમાં આગળ વધવાની શીખ મળે છે.

 તેમણે ખેલાડીઓને પોતાની રમત પ્રતિભાને સતત મહેનત દ્વારા નિખારવા આહ્વાન કર્યું હતું અને જણાવ્‍યું હતું કે આજના ખેલાડીઓ આવતીકાલના રાજ્‍ય, રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાના પ્રતિનિધિ બની શકે છે.

સમગ્ર કાર્યક્રમનું જિલ્લા રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયા તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્રની ટીમ દ્વારા સુવ્‍યવસ્‍થિત સંચાલન અને આયોજન કરવામાં આવ્‍યું હતું.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:52 PM IST)