<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ખંભાતના કલમસરમાં રોહન ડાઇઝ કંપની બહાર પથ્થરમારો બાદ તંગદિલી :પોલીસનો લાઠીચાર્જ ટીયરગેસના સેલ છોડ્યા

કંપની પરિસરમાં એકઠા થયેલા ઉશ્કેરાયેલા ગ્રામજનોને વિખેરવા અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે આકરાં પગલાં ભરીને કલમસરના ગ્રામજનો પર લાઠીચાર્જ કર્યો

આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા કલમસર ગામે સ્થિત 'રોહન ડાઇઝ' કંપનીમાં કામ કરતા સ્થાનિક યુવક/શ્રમિકનું અકસ્માતે મોત નીપજતાં ભારે વિવાદ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ મૃતક યુવકના પરિવારજનો અને કલમસર ગામના મોટી સંખ્યામાં લોકો કંપની ખાતે પહોંચી ગયા હતા. મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ સાથે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરીને રોહન ડાઇઝ કંપનીનો સંપૂર્ણ ઘેરાવો કર્યો હતો. મામલો બિચકતાં જ ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

કંપની પરિસરમાં એકઠા થયેલા ઉશ્કેરાયેલા ગ્રામજનોને વિખેરવા અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે આકરાં પગલાં ભરીને કલમસરના ગ્રામજનો પર લાઠીચાર્જ શરુ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જ બાદ ગ્રામજનોનો આક્રોશ બેવડાયો હતો અને લોકોએ પોલીસ ટુકડી પર સામે વળતો ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આ હિંસક પથ્થરમારામાં બે પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેથી વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

પથ્થરમારા અને હિંસક અથડામણના કારણે કલમસર ગામમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. ઉપદ્રવીઓને વિખેરવા અને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા માટે પોલીસે આખરે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ટીયરગેસના છોડાયેલા સેલ અને સતત પેટ્રોલિંગ બાદ પોલીસે પરિસ્થિતિ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીવાયએસપીના વડાપણ હેઠળ કલમસર ગામ અને રોહન ડાઇઝ કંપની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(12:18 AM IST)