News of Friday, 28th August 2026
વિરપુર (જલારામ) જુથ સેવા સહકારી મંડળીની સાધારણ સભા લલીત રાદડીયાની અધ્યક્ષતામાં યોજાઈ
ખેડૂતો માટે અકસ્માત વીમા સહિત આર્થિક સુરક્ષા યોજનાઓની જાહેરાત કરતા પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયાઃ મંડળીએ રૂ.૪૯ લાખનો પાકો નફો કરી સભાસદોને ૧૫% ડિવિડન્ડ જાહેર કર્યુ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ), તા.૨૮: શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ દૂધ સંઘના ચેરમેન તથા અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને છેલ્લા ૩૨ વર્ષથી વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ફરજ બજાવતા ગોરધનભાઈ ધામેલીયાની આગેવાનીમાં યોજાયેલી આ સાધારણ સભામાં મંડળી સાથે જોડાયેલા આશરે ૧૬૦૦ ખેડૂત સભાસદો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાધારણ સભામાં મુખ્ય મહેમાન તરીકે રાજ કોટનના પ્રમુખ લલિતભાઈ રાદડિયા, જેતપુર-નવાગઢ નગર પાલિકાના પ્રમુખ મીનાબેન ઉસદડિયા તેમજ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં મંડળીના સંચાલક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, મંડળીએ ચાલુ વર્ષે કરકસરયુક્ત વહીવટ કરીને રૂ.૪૯ લાખનો પાકો નફો મેળવ્યો છે. તેમજ સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને ૧૫ ટકા ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મંડળીમાંથી ધિરાણ લેતા સભાસદો તથા તેમના પરિવારની આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સભાસદ માટે રૂ.૧૨ લાખની અકસ્માત વીમા પોલિસી, અવસાન પામેલા સભાસદના વારસદારોને લૌકિક ક્રિયા માટે અગાઉ આપવામાં આવતી રૂ.૧૦ હજારની સહાયમાં રૂ.૫ હજારનો વધારો કરી હવે રૂ.૧૫ હજારની સહાય તથા ગંભીર બીમારીના કિસ્સામાં રૂ.૧૦ હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંડળીના અવસાન પામેલા એક સભાસદના વારસદારને રૂ.૧૨ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મંડળી દ્વારા સભાસદ લક્ષી વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતોને આર્થિક સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયાએ જણાવાયું હતું.
મંડળીના ઉપપ્રમુખ જનકભાઈ ડોબરીયાએ મંડળી સાથે જોડાયેલા વીરપુર, કાગવડ અને થોરાળા વિસ્તારના ખેડૂત સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કરી અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે જેતપુર માર્કેટિગ યાર્ડના ચેરમેન જમનભાઈ ભુવા, તાલુકા સંઘના પ્રમુખ પ્રવીણભાઈ ગજેરા, IFFCOના એરીયા મેનેજર બિપીનભાઈ પટેલ, કૃભકોના એરીયા મેનેજર સોરઠીયાભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ રસીકભાઈ સખિયા, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય નરશીભાઈ સોજીત્રા, જિલ્લા પંચાયત સદસ્ય દીપકભાઈ ગાજીપરા, અમિતભાઈ ગોહેલ, અશોકભાઈ ઉધાડ, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ કોઠારી, જેતપુર માર્કેટિગ યાર્ડના ડિરેક્ટર હરેશભાઈ વેકરિયા, સુભાષભાઈ બાંભરોલિયા સહિત તાલુકા સહકારી અને પંચાયત ક્ષેત્રના આગેવાનો તથા મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી વીરપુર જુથ સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીની આર્થિક પ્રગતિ સાથે ખેડૂતો અને સભાસદોના હિતમાં વિવિધ યોજનાઓની જાહેરાત થતા સભાસદોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
