<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ધ્રોલના ખારવામાં હડકાયા શ્વાનનો આતંકઃ ૮ ને બચકા ભર્યા

જામનગર જી.જી. હોસ્‍પિટલમાં સારવાર બાદ તમામને રજા અપાઈઃ ગ્રામજનોએ શ્વાનને ઢાળી દીધોઃ મહિલા, પુરુષ અને બાળકો સહિત ૮ લોકોને લોહીલુહાણ કર્યા બાદ ગામમાં ફેલાયો હતો ભારે ફફડાટ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૯: ધ્રોલ તાલુકાના ખારવા ગામે એક હડકાયા શ્વાને ભારે આતંક મચાવતાં સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્ગ પરથી પસાર થઈ રહેલા નિર્દોષ ગ્રામજનો પર હડકાયા શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. શ્વાને મહિલા, પુરુષ અને બાળકો સહિત એક પછી એક એમ કુલ ૮ લોકોને બચકાં ભરીને ગંભીર રીતે લોહીલુહાણ કરી દીધા હતા.બનાવને પગલે ગામમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

બનાવની જાણ થતાં જ ધ્રોલ ૧૦૮ ઇમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ ટીમ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્‍તોને ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડ્‍યા હતા. ત્‍યાં પ્રાથમિક સારવાર અને હડકવા વિરોધી રસી આપ્‍યા બાદ, ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તમામ ૮ લોકોને તાબડતોબ જામનગરની જી.જી. હોસ્‍પિટલ ખાતે રિફર કરવામાં આવ્‍યા હતા.

જામનગર જી.જી. હોસ્‍પિટલમાં સઘન સારવાર આપ્‍યા બાદ તમામ દર્દીઓની તબિયતમાં સુધારો જણાતાં મોડી રાત્રે જ તમામને હોસ્‍પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ તમામ ઈજાગ્રસ્‍તોની તબિયત સારી હોવાનું જાણવા મળ્‍યું છે.

આ આતંક બાદ વધુ કોઈ નિર્દોષ વ્‍યક્‍તિ ભોગ ન બને તે માટે સતર્ક થયેલા ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી હતી અને મોડી રાત્રે હડકાયા શ્વાનને મારી નાખી આતંકનો અંત આણ્‍યો હતો, જેથી ગામલોકોએ હાશકારો અનુભવ્‍યો છે.

(10:57 AM IST)