<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

કચ્છના રાપરમાં રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની સરાહનીય સેવા: ૧૫૨ દર્દીઓની આંખની નિઃશુલ્ક તપાસ અને ૭૪ ના ઓપરેશન

છેવાડાના તાલુકામાં દર મહિને ૨૯ તારીખે યોજાય છે નેત્ર નિદાન-સારવાર કેમ્પ : નેત્ર નિદાન કેમ્પે ફરી એક વખત માનવતાની સુંદર મિસાલ રજૂ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧  આંખોની તકલીફને કારણે જીવનમાં અંધકાર છવાઈ જવાની ચિંતામાં જીવતા જરૂરિયાતમંદ લોકો માટે રાપરમાં નિયમિત રીતે યોજાતા નેત્ર નિદાન કેમ્પે ફરી એક વખત માનવતાની સુંદર મિસાલ રજૂ કરી છે. રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને ૨૯ તારીખે યોજાતા નેત્ર નિદાન-સારવાર કેમ્પ અંતર્ગત રાપરમાં ૯૨ મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.

રાપરના દરીયાસ્થાન મંદિર ખાતે લોહાણા સમાજના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. સોની પરષોતમભાઈ રેવા શંકરભાઈ તથા સ્વ. રમેશભાઈ પરષોતમભાઈ સોનીની દિવ્ય સ્મૃતિમાં યોજાયેલા આ સેવાકીય કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ આંખોની તપાસ કરાવી હતી.

કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. દરીયાસ્થાન મંદિરના રશિકલાલ આદુઆણી, દિનેશભાઈ ચંદે, પ્રભુલાલ રાજદે, શૈલેષ ભીંડે તેમજ યજમાન પરિવારના ગં.સ્વ. ચંદ્રીકાબેન રમેશભાઈ સોની, શંકરભાઈ સોની અને પ્રીતિબેન સોની સહિતના આગેવાનો તથા સેવાભાવીઓએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુક્યો હતો.

કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા કુલ ૧૫૨ લોકોનું નેત્ર નિદાન કરવામાં આવ્યું હતું. તપાસ બાદ ૭૪ દર્દીઓને વધુ સારવાર અને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે ટ્રસ્ટ અને સેવાભાવીઓ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી દર્દીઓ તથા તેમના પરિવારજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.

કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક સેવાભાવીઓએ ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. આંખોની તપાસથી લઈને દર્દીઓને માર્ગદર્શન અને જરૂરી સારવાર સુધીની કામગીરીમાં સેવાભાવીઓ જોડાયા હતા. નિયમિત રીતે યોજાતા આ કેમ્પો માત્ર તબીબી સારવાર પૂરતા મર્યાદિત ન રહેતા, જરૂરિયાતમંદ લોકોના જીવનમાં દૃષ્ટિ અને આશાનો પ્રકાશ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. છેવાડાના તાલુકા રાપરમાં યોજાયેલો આ સતત ૯૨ મો નિઃશુલ્ક નેત્ર કેમ્પ અને ૧૫૨ દર્દીઓની તપાસ તેમ જ ૭૪ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવાનું કાર્ય આ સેવાકીય પ્રવૃત્તિની વ્યાપકતા અને ઉપયોગિતાને દર્શાવે છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(12:14 PM IST)