News of Monday, 31st August 2026
ગીર સોમનાથના ઉના નજીક દરિયામાં મોટી દુર્ઘટના ટળી: નવાબંદર કાંઠે આરીફ મોહમ્મદની ફિશિંગ બોટ ડૂબી, ૬ ખલાસીઓનો અદ્ભુત આબાદ બચાવ!
દરિયામાં મોજાંની ભયાનક થપાટ વાગતાં બોટમાં દરદર પાણી ઘૂસ્યું: જીવ બચાવવા ટંડેલ સહિત ખલાસીઓએ દરિયામાં ઝાંપલાવ્યું, નજીકની બોટોએ સમયસર પહોંચી ૬ જિંદગીઓ બચાવી લીધી

વેરાવળ : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા નવાબંદર દરિયાકાંઠાથી આશરે ૮ નોટિકલ માઈલ દૂર ઊંડા દરિયામાં માછીમારી કરી રહેલી એક ફિશિંગ બોટ અચાનક ડૂબી જતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. દરિયાની મધ્યમાં સર્જાયેલી આ કટોકટીમાં આસપાસના માછીમારોની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે બોટમાં સવાર ટંડેલ સહિત તમામ ૬ ખલાસીઓનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો.
મોજાંની થપાટ વાગતાં બોટમાં પાણી ભરાવા લાગ્યું
મળતી માહિતી મુજબ, નવાબંદરના રહીશ આરીફ મોહમ્મદની માલિકીની આ ફિશિંગ બોટ છ ખલાસીઓ સાથે દરિયામાં માછીમારી માટે ગઈ હતી. દરિયામાં માછીમારીનું કામ ચાલી રહ્યું હતું તે જ સમયે અચાનક દરિયામાં મોજાંઓની જોરદાર થપાટ બોટ સાથે અથડાઈ હતી. આ અથડામણથી બોટમાં તિરાડ પડી ગઈ હતી અને જોતજોતામાં અંદર ધસમસતું પાણી ઘૂસવા લાગ્યું હતું. બોટમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે બોટ ધીમે-ધીમે દરિયામાં ગરકાવ થવા લાગી હતી.
જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા ખલાસીઓ
પરિસ્થિતિ અત્યંત વિકટ બનતાં અને બોટ સંપૂર્ણ ડૂબી જવાની અણી પર હોવાનું જણાતાં, બોટના ટંડેલ અને અન્ય પાંચ ખલાસીઓએ અન્ય કોઈ રસ્તો ન જણાતાં પોતાનો જીવ બચાવવા માટે દરિયાના ઊંડા પાણીમાં કૂદી જવાનો સાહસિક નિર્ણય લીધો હતો.
નજીકની બોટોએ સત્વરે પહોંચી બચાવ કામગીરી કરી
દરિયામાં કૂદી પડેલા ખલાસીઓ પર નજીકમાં જ માછીમારી કરી રહેલી અન્ય ફિશિંગ બોટોના માછીમારોની નજર પડી હતી. ઘટનાની ગંભીરતા સમજીને અન્ય બોટોના ખલાસીઓએ સહેજ પણ વિલંબ કર્યા વિના પોતાની બોટો કટોકટી વાળા સ્થળે દોડાવી મૂકી હતી. તેમણે દરિયામાંથી એક પછી એક તમામ ૬ ખલાસીઓને સુરક્ષિત રીતે પોતાની બોટમાં ખેંચી લીધા હતા. સમયસર પહોંચેલી આ મદદના કારણે એક મોટી હોનારત અને જાનહાનિ ટળી હતી.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
