News of Saturday, 14th November 2026
સર્વોત્તમ ડેરીમાં “૭૩માં અખિલ ભારતીય સહકાર સપ્તાહ” અને સ્નેહ મિલન કાર્યક્રમનો પ્રારંભ : સિહોરના સર ખાતે ૧૪ થી ૨૧ નવેમ્બર સુધી યોજાશે વિવિધ આયોજનો
સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી, ચીફ જનરલ મેનેજર યોગેશકુમાર જોષી તથા ડાયરેક્ટર માવજીભાઈ ભાલિયાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય : ગીર ગાયના દૂધ અને ઘીની વૈશ્વિક કાયમી નિકાસ તેમજ આધુનિક પશુપાલનની સફળ ગાથાઓ રજૂ કરાઈ

સિહોર: ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે સર્વોત્તમ ડેરી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તા. ૧૪ થી ૨૧ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન “૭૩માં અખિલ ભારતીય સહકાર સપ્તાહ” અને સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સિહોર તાલુકાના સર ગામ ખાતે આવેલી સર્વોત્તમ દાણ ફેક્ટરી ખાતે આ સપ્તાહનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. કાર્યક્રમના પ્રથમ દિવસે સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી, ડાયરેક્ટરો, અધિકારીઓ તેમજ ડેરી સાથે જોડાયેલી વિવિધ મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.
સફળ પશુપાલકો દ્વારા આધુનિક પશુપાલન અને ગીર વાછરડી ઉછેરના અનુભવો રજૂ કરાયા:
કાર્યક્રમના પ્રારંભે મહુવા તાલુકાના બગદાણા ગામના સફળ પશુપાલક ઘનશ્યામભાઈ દુધરેજીયાએ સર્વોત્તમ ડેરીના માર્ગદર્શનથી અપનાવેલા આધુનિક પશુપાલનના પોતાના અનુભવો સૌની સમક્ષ વર્ણવ્યા હતા. તેઓએ જણાવ્યું કે સર્વોત્તમ ડેરીના “વ્યુહાત્મક ગીર વાછરડી ઉછેર પ્રોજેક્ટ” અંતર્ગત સેક્સ સોર્ટેડ સીમેનથી જન્મેલી ગીર વાછરડીએ માત્ર ૨ વર્ષ અને ૧૭ દિવસની નાની વયે જ પ્રથમ વિયાણ કર્યું હતું અને પ્રથમ વિયાણમાં જ પ્રતિદિન ૧૪ લીટર દૂધ ઉત્પાદન આપી અદભૂત સફળતા હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૦-૨૧માં જેમની પાસે માત્ર ૩ ગાયો હતી, તે પશુપાલક આજે ડેરીના માર્ગદર્શનથી ૨૫ ગાયો સુધી પહોંચ્યા છે. આ પ્રસંગે સફળ એઆઈ વર્કર રસિકભાઈ બાંભણીયાએ પણ ડેરી દ્વારા ચાલતા કૃત્રિમ બીજદાન અભિયાનની પ્રશંસા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગામડે ગામડે અમૂલ પાર્લર શરૂ કરવા પર ભાર અને વ્યુહાત્મક માદા ઉછેર પ્રોજેક્ટની માહિતી:
સર્વોત્તમ ડેરીના ચીફ જનરલ મેનેજર યોગેશકુમાર જોષીએ ગ્રામ્ય વિસ્તારોમાં અમૂલ બ્રાન્ડના તમામ ઉત્પાદનો સરળતાથી મળી રહે તે માટે ગામડે ગામડે અમૂલ પાર્લર શરૂ કરવા પશુપાલકોને વિશેષ હિમાયત કરી હતી. ડેરી દ્વારા આ માટે તમામ પ્રકારનું માર્ગદર્શન અને સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી. તેઓએ પોતાના નેતૃત્વ હેઠળ ધમધમતા વ્યુહાત્મક માદા ઉછેર પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત ડાયરેક્ટર માવજીભાઈ ભાલિયાએ સંમેલનમાં ઉપસ્થિત મંડળીના કાર્યવાહકોને અપીલ કરી હતી કે અહીંથી મળતી તમામ ઉપયોગી માહિતી અને જ્ઞાન છેવાડાના પશુપાલકો સુધી ચોક્કસપણે પહોંચાડવામાં આવે.
દિલ્હી-મુંબઈ સહિત વિદેશોમાં પહોંચાવાય છે ભાવનગરની ગીર ગાયનું દૂધ અને શુદ્ધ ઘી:
સંઘના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીએ મૂલ્યવર્ધિત પશુપાલન, દૂધ મંડળીઓમાં નફાનું પ્રમાણ વધારવાની પદ્ધતિઓ અને મંડળીઓ દ્વારા પશુપાલકોના આર્થિક વિકાસ અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે બજારમાં મળતા ભેળસેળયુક્ત દાણ કરતા સસ્તો અને સંપૂર્ણ પોષકતત્વોથી ભરપૂર એવો ‘સર્વોત્તમ દાણ’ પશુઓની તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે. વધુમાં તેમણે ગૌરવપૂર્ણ ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગીર ગાયની અસલ નસલના સંરક્ષણ અને સંવર્ધનના પરિણામે આજે સર્વોત્તમ ડેરી દ્વારા અમૂલના માધ્યમથી દિલ્હી, મુંબઈ, ગાંધીનગર અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં રોજનું અંદાજે ૨૦ થી ૩૦ હજાર લીટર શુદ્ધ ગીર ગાયનું દૂધ પૂરું પાડવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ભાવનગરની ગીર ગાયનું શુદ્ધ ઘી ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં પણ નિકાસ થાય છે. આ સિદ્ધિને યાદ રાખીને આગામી સમયમાં વધુમાં વધુ પશુપાલકો ગીર ગાય વસાવે તે માટે વિશેષ આહ્વાન કરવામાં આવ્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
