News of Saturday, 8th August 2026
૮ થી ૧૪ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં મેધાવી માહોલ
સિસ્ટમનો ટ્રફ સૌરાષ્ટ્ર સુધી લંબાય તો વરસાદનો એક નવો રાઉન્ડ આવશે : રમેશ બસીયા

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૮ : સ્થાનિક હવામાન નિષ્ણાત રમેશ બસીયાએ આજે ૮થી ૧૪ ઓગસ્ટ સુધીના સમયગાળા માટે સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતના હવામાન અંગે વિગતવાર આગાહી જાહેર કરી છે.તેમના જણાવ્યા અનુસાર, હાલ ચોમાસાની ધરી (મોન્સૂન ટ્રફ) ગંગાનગર, દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં આવેલા લો-પ્રેશર એરિયા સાથે જોડાયેલી છે. આ લો-પ્રેશરનું કેન્દ્ર રાંચી-દીઘા વિસ્તારમાં છે અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે.પશ્ચિમ બંગાળ અને તેના લાગુ દરિયાકાંઠાના વિસ્તારો તેમજ ઉત્તર બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. ત્યારબાદ આ સિસ્ટમ ધરી સાથે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા અને ઝારખંડ તરફ આગળ વધશે.
આજે તારીખ ૮, ૯ અને ૧૦ ઓગસ્ટે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે.
૧૧ તારીખથી મધ્ય-પૂર્વ ગુજરાત બાજુ વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. કારણ કે સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ આગળ વધશે અને તેની સાથે એક ટ્રફ ગુજરાત સુધી આવશે. જો આ સિસ્ટમ વધુ નજીક આવે અને ટ્રફ સૌરાષ્ટ્ર સુધી લંબાય તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે.રમેશ બસીયાએ સ્પષ્ટ કર્યું છે કે હજુ આ આગાહીમાં ફેરફાર થઈ શકે છે. સિસ્ટમ કેટલી નજીક આવશે કે નહીં આવે અને તેનાથી સૌરાષ્ટ્ર તથા કચ્છને કેવો લાભ મળશે, તે અંગે આગળ અપડેટ આપવામાં આવશે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
