News of Sunday, 21st June 2026
૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા જામનગરના રોઝીપોર્ટ અને સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્નેહા રાયના માર્ગદર્શન હેઠળ 900 જેટલા નેવી કેડેટ્સ અને વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર કર્યા યોગાસન : રોજિંદા જીવનમાં નિયમિત યોગાભ્યાસ અપનાવવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી

મુકુંદ બદીયાણી, જામનગર:આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પાવન અવસરે જામનગર શહેરમાં ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસી (NCC) દ્વારા ભવ્ય અને પ્રેરણાદાયી રીતે સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ ઉજવણી અંતર્ગત યુનિટના અંદાજે ૧૬૦ જેટલા ઉત્સાહી નેવી કેડેટ્સે જામનગરના પ્રખ્યાત રોઝી પોર્ટ તેમજ શ્રી સજુબા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે એકત્રિત થઈને 'સ્વસ્થ જીવન માટે યોગ'ના સંદેશ સાથે આવશ્યક યોગાભ્યાસની સઘન તાલીમ મેળવી હતી.
આ સમગ્ર ગરિમામય કાર્યક્રમનું આયોજન ૮ ગુજરાત નેવલ યુનિટના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર સ્નેહા રાયના કુશળ નેતૃત્વ અને સચોટ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત રોઝી પોર્ટ ખાતે યોજાયેલા વિશેષ તાલીમ સત્રમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડના આસિસ્ટન્ટ પોર્ટ ઓફિસર અમિત મુંજાણી અને સિક્યુરિટી સુપરવાઇઝર મહેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વરિષ્ઠ મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ એનસીસીના કેડેટ્સનો ઉત્સાહ બમણો કર્યો હતો.
આ કેમ્પમાં ઉપસ્થિત તજજ્ઞ યોગ પ્રશિક્ષકો શ્રીમતી જ્યોતિબેન પારેખ, સુજાતા કલોરે તેમજ શ્રીમતી પ્રજ્ઞાબેન ત્રિવેદી અને રિયા શાહ દ્વારા તમામ કેડેટ્સને ખૂબ જ સરળ શૈલીમાં વિવિધ પ્રકારના આસનો અને પ્રાણાયામની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. આ નિષ્ણાંત પ્રશિક્ષકોએ યુવા કેડેટ્સને માનવ શરીર અને મન પર થતા યોગના અગણિત ફાયદાઓ સમજાવ્યા હતા અને શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી જાળવવા માટે આ યોગાભ્યાસને માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત ન રાખતા, દૈનિક જીવનમાં કાયમી ધોરણે વણી લેવાની ઉમદા સમજણ આપી હતી.
આ દેશભક્તિ અને આરોગ્યના સંગમ સમાન વિશેષ તાલીમ કાર્યક્રમમાં જામનગર શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના એસોસિયએટ એનસીસી ઓફિસર્સ (ANOs) તેમજ નેવી યુનિટના પીઆઇ (PI) સ્ટાફના સભ્યો પણ કેડેટ્સની સાથે જોડાઈને શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કર્યો હતો. સમગ્ર આયોજન અતિ ઉત્સાહપૂર્ણ અને અનુશાસિત વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થતાં દેશની યુવા શક્તિમાં યોગ પ્રત્યે એક નવો સકારાત્મક સંદેશ વહેતો થયો છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
