News of Monday, 12th October 2026
જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMC દ્વારા ઝપાયેલા ૮૦ લાખના દારૂના ગુનામા નાસતા-ફરતા બે ઝડપાયા
રાજકોટ રેન્જ ટીમે બાતમીના આધારે ભાણવડના ચાર પાટીયા પાસેથી બંને આરોપીઓને દબોચ્યા, ભાણવડ પોલીસને સોંપ્યા

રાજકોટ, તા. 12 : જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMC દ્વારા ઝડપાયેલા ૮૦ લાખના ઈંગ્લીશ દારૂના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા બે આરોપીઓને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જના જિલ્લાઓમાં ગુનો કરી નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા કડક સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે રેન્જ PI અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.વાય.ઉધાસ અને તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે PSI શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના વનરાજભાઈ મકવાણા, સંદિપસિંહ ઝાલા, કમલેશભાઈ રબારી, વિપુલભાઈ મોરી, પરેશભાઈ સાંજવા તથા ડ્રા. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વોચ ગોઠવી હતી.
લાલપુર પોલીસ સ્ટેશનમાં SMC દ્વારા નોંધાયેલ પ્રોહી ગુ.ર.નં. 630/26 (કલમ 65AE, 116B) માં ૮૦ લાખનો દારૂ પકડાયો હતો, જે બાદથી આરોપીઓ ફરાર હતા. આ બંને આરોપીઓને મોટા કાલાવડ ગામ પાસે આવેલ ચાર પાટીયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓ દિલીપ સાજણભાઈ વારોતરીયા, રહે. મોટા કાલાવડ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા,અનીલ માલદેભાઈ કનારા, રહે. મોટા કાલાવડ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા છે.
બંને આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
