News of Wednesday, 15th July 2026
મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત
વાવડી રોડ લાભ શુભ સોસાયટીમાં રહેતા કરણ દેગામાને તત્કાલ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો, જ્યાં દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો હતો. તેને તત્કાલ મોરબી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, કરણ ઉર્ફે કાળો દિનેશભાઈ દેગામા (ઉંમર વર્ષ 12 ) ( રહે. લાભ શુભ સોસાયટી, ગોકુલ પાર્ટી પ્લોટ સામે, વાવડી રોડ, મોરબી) ગઈકાલે સાંજે 6.30 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે હતો ત્યારે થાંભલામાંથી વિજ કરંટ લાગતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયો હતો.જ્યાં રાત્રે 1.10 વાગ્યાં આસપાસ તેનું સારવારમાં મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.પુછપરછમાં ખૂલ્યું હતું કે મૃત્યુ પામનાર કરણ ત્રણ ભાઈ એક બહેનમાં નાનો હતો.વીજ પોલ ઉપર કબૂતર બેઠા હતા.તેને પકડવા થાંભલા ઉપર ચડવા જતા વીજ લાઇનનો કેબલ હાથમાં આવી જતા કરંટ લાગ્યો હતો.જેથી કરણ ઉર્ફે કાળો દિનેશભાઈ દેગામાનું મોત નીપજ્યું હતું.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
