News of Friday, 11th September 2026
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી વિધિવત્ લઘુરુદ્રાભિષેક અને હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સાથે શ્રાવણમાસની પૂર્ણાહુતિ
શ્રીહરિ મંદિરમાં શ્રાવણી અમાસે ચંદ્રમૌલીશ્વર મહાદેવને દીપદાન શૃંગાર દર્શન અને શાસ્ત્રોક્ત યજ્ઞ દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે પ્રાર્થના કરાઈ

પોરબંદર: પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શ્રાવણ અમાસના પાવન પ્રસંગે ઋષિકુમારો અને ગુરુજનો દ્વારા વિધિવત્ લઘુરુદ્રાભિષેક તથા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સાથે શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી છે.
સાંદીપનિ વિદ્યાનિકેતન પરિસરમાં આવેલા શ્રીહરિ મંદિરમાં શ્રાવણ માસની અમાસે ઋષિકુમારો દ્વારા વિધિ-વિધાન સાથે ચંદ્રમૌલીશ્વર મહાદેવને લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન ચંદ્રમૌલીશ્વર મહાદેવની ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા નિયમિત અભિષેક પૂજા કરવામાં આવી હતી, જેમાં પ્રતિદિન અનેક મનોરથીઓએ પૂજા-અર્ચનાનો લાભ લીધો હતો. આ ઉપરાંત સમગ્ર માસ દરમિયાન શિવાલયમાં મહાદેવના વિવિધ મનોહર શૃંગાર દર્શનનું આયોજન કરાયું હતું, જેના દર્શનનો પોરબંદરના સ્થાનિક શ્રદ્ધાળુઓ સહિત સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ-વિદેશના અનેક ભાવિકોએ લાભ મેળવ્યો હતો.
શ્રાવણ માસની અમાસે પ્રતિ વર્ષની પરંપરા મુજબ સાંદીપનિ યજ્ઞશાળામાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી સંસ્થાના ઉત્કર્ષ અને સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે સંસ્કૃત પાઠશાળાના સૌ ગુરુજનો, સાંદીપનિ સંકુલના વિવિધ વિભાગોમાં સેવા આપતા ભૂતપૂર્વ છાત્રો અને તમામ ઋષિકુમારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અમાસના પવિત્ર દિવસે દીપદાનનું વિશેષ શાસ્ત્રોક્ત મહાત્મ્ય હોવાથી શ્રીહરિ મંદિરમાં ચંદ્રમૌલીશ્વર મહાદેવના દીપદાન શૃંગાર દર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ રમણીય અને ભક્તિમય દીપદાન શૃંગાર દર્શનનો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
