News of Thursday, 30th April 2026
જામનગરની સાધના કોલોની નજીક રોડ પર બંધ પડેલ ટ્રકનું રીપેરીંગ કરતા ડ્રાઈવરને ઇલેક્ટ્રિક શોક લાગતા કરૂણ મોત
ઇલેક્ટ્રિક શોક એટલો જોરદાર હતો કે ડ્રાઈવરના પેટ તથા પગના ભાગે ચીરી બહાર નીકળી ગઈ હતી. આસપાસના લોકો દોડી આવે તે પહેલા જ ડ્રાઈવરનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 30: જામનગર શહેરમાં સાધના કોલોની નજીક આજે સવારે એક કરૂણ ઘટના બની હતી. રોડ પર અચાનક બંધ પડી ગયેલ ટ્રકનું જાતે રીપેરીંગ કરતા ડ્રાઈવરને જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી વિગત મુજબ, સાધના કોલોની નજીક મુખ્ય રોડ પર એક ટ્રક અચાનક બંધ પડી ગઈ હતી. ટ્રકના ડ્રાઈવરે રસ્તા પર જ ટ્રક ઊભી રાખીને જાતે રીપેરીંગ કામ શરૂ કર્યું હતું. દરમિયાન ટ્રકના કોઈ વીજ ઉપકરણ કે બેટરીમાંથી અચાનક જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો.
ઇલેક્ટ્રિક શોક એટલો જોરદાર હતો કે ડ્રાઈવરના પેટ તથા પગના ભાગે ચીરી બહાર નીકળી ગઈ હતી. આસપાસના લોકો દોડી આવે તે પહેલા જ ડ્રાઈવરનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
_પોલીસ ઘટનાસ્થળે દોડી, તપાસ શરૂ_
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં ટ્રકના રીપેરીંગ દરમિયાન શોર્ટ સર્કિટથી શોક લાગ્યો હોવાનું અનુમાન છે. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ડ્રાઈવરની ઓળખ મેળવવાની કાર્યવાહી ચાલુ છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહનો બંધ પડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વાહનચાલકોને રસ્તા પર જાતે રીપેરીંગ કરવાને બદલે નિષ્ણાત મિકેનિકની મદદ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
