News of Saturday, 23rd May 2026
કેશોદ તાલુકા પંચાયતનું સુકાન સંભાળશે મહિલા પ્રતિનિધિઃ પ્રમુખ-ઉપપ્રમુખની સોમવારે ચૂંટણી
ભાજપ કોના પર પસંદગીનો કળશ ઢોળશે તે અંગે આતુર જણાતા ગ્રામજનોની નજર જનરલ બોર્ડની બેઠક પર : સ્થાનિક પાલિકામાં ભાજપે જ્ઞાતિકીય સમીકરણોની ભ્રમણા ભાંગી સરપ્રાઈઝ આપેલ છે ત્યારે નવા સૂત્રધારો કયા સમાજના હશે?: પસંદગીના નામ અત્યંત ગુપ્ત!

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૩: આગામી સોમવારે મળનાર સામાન્ય સભામાં યોજાનાર પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બાદ ૫૩ ગામોનું પ્રતિનિધિત્વ કરતી કેશોદ તાલુકા પંચાયતનું સુકાન મહિલા પ્રતિનિધિ સંભાળશે.
ગત તારીખ ૨૬ ના રોજ સ્થાનિક તાલુકા પંચાયતની ૧૮ બેઠકની ચૂંટણી યોજાયા બાદ તારીખ ૨૮ ના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપને-૧૦, કોંગ્રેસને-૬, આમ આદમી પાર્ટીને-૧ તથા અપક્ષને-૧ બેઠક મળેલ હતી. જેમાં ભાજપ પાસે બહુમતી હોય સોમવારથી ૧૦ સદસ્યોના સંખ્યા બળ સાથે ભાજપ સત્તા રૂઢ થશે.
સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયાને લગભગ એક માસ જેવો સમય વીતી ગયા બાદ આગામી તારીખ ૨૫ ને સોમવારના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં સવારે ૧૧:૦૦ કલાકે ૨૦૨૬ ના વર્ષની નવી કમિટી માટે પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવેલ છે. જેમાં નવા સૂત્રધારો ની વરણી કરવામાં આવશે. આ અંગે ગ્રામજનોમાં ભારે ઉત્તેજના પ્રવર્તેલ છે.
સ્થાનિક નગરપાલિકાની જેમ તાલુકા પંચાયતમા પણ પ્રમુખ પદ પ્રથમ ટર્મના અઢી વર્ષ દરમિયાન બક્ષીપંચસ્ત્રી વર્ગ માટે આરક્ષિત (અનામત) છે. ભાજપમાંથી ચૂંટાયેલા ત્રણ મહિલા પ્રતિનિધિઓ બક્ષીપંચ વર્ગમાથી આવે છે.
જેમા બડોદર બેઠક પરથી ચૂંટાયેલા આહીર સમાજના ધનબાઈબેન હરેશભાઈ સિંહાર, બાલાગામ બેઠક પરથી ચૂંટાઈ આવેલા કોળી સમાજના કાજલબેન રમેશભાઇ આજડીયા તથા કરેણી બેઠક પરથી ચૂંટાઈ આવેલા મહિલા ક્ષત્રિય સમાજના હર્ષીતાબેન નીરજભાઈ મક્કા પ્રમુખ પદ માટે દાવેદાર છે. ત્રણેય દાવેદારો અને તેમના સમર્થકો પોતપોતાની ક્ષમતા અને રાજકીય કદ મુજબ પ્રમુખપદ હાંસલ કરવા પાસા ગોઠવી રહેલ હોવાનું કહેવાય છે.
જ્ઞાતિકીય સમીકરણોના આધારે અનેક તર્ક-વિતર્ક વચ્ચે રાજકીય વર્તુળોની ભ્રમણાઓ ભાંગી સ્થાનિક નગરપાલિકામાં સૌપ્રથમ વખત પ્રજાપતિ સમાજના મહિલા પ્રતિનિધિને પ્રમુખ પદની ખુરશી સોંપી ભાજપે સરપ્રાઈઝ આપેલ છે. તેમજ ઉપપ્રમુખ તરીકે આહીર સમાજના મહિલા પ્રતિનિધિને જવાબદારી સોંપેલ છે ત્યારે તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ - ઉપપ્રમુખ કયા સમાજના હશે? તે અંગે રાજકીય પંડિતો જુદા જુદા ગણિત માંડી રહેલ છે. આ સ્થિતિ વચ્ચે રાજકીય વર્તુળોથી માંડી સામાન્ય લોકો માટે આ મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે.
પ્રમુખ - ઉપપ્રમુખ સહિતના મહત્વના હોદ્દાઓ નો નિર્ણય પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ લેતું હોય મહત્વના હોદ્દેદારોના નામ હાલ અત્યંત ગુપ્ત રાખવામાં આવેલ છે! ત્યારે ભાજપ કોના પર પસંદગીનો કળશ ઢોળશ તે જાણવા આતુર જણાતા ગ્રામજનોની નજર સોમવારે મળનાર જનરલ બોર્ડ ની બેઠક પર મંડાયેલી છે
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
