તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Sunday, 11th October 2026
રાજપરા ખોડિયાર ધામમાં શ્રદ્ધાનું ઘોડાપૂર: દંડવત પ્રણામ અને ૫૨ ગજની ધજા સાથે હજારો માઈભક્તો ઉમટ્યા
આસો નવરાત્રીના પ્રથમ નોરતે શાસ્ત્રોક્ત ઘટસ્થાપન સાથે ‘બોલ મારી ખોડીયાર’ના ગગનભેદી જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઊઠ્યું

ભાવનગર: ભાવનગર જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પરમ કેન્દ્ર એવા રાજપરા ખોડિયાર મંદિર ખાતે આસો નવરાત્રીના પવિત્ર પ્રથમ નોરતે ભક્તિ અને શ્રદ્ધાનું અલૌકિક ઘોડાપૂર ઉમટ્યું છે. નવરાત્રીના આ મહાપર્વના પ્રારંભે વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મંદિરમાં મંગલ ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. આ વિધિ સંપન્ન થતાં જ મા ખોડિયારના સાનિધ્યમાં આસો નવરાત્રી મહોત્સવની સત્તાવાર શરૂઆત થઈ છે અને સમગ્ર ગુજરાત તેમજ દેશભરમાંથી આવેલા હજારો માઈભક્તો મા ખોડિયારના પાવન દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
પ્રથમ નોરતાના પવિત્ર અવસરે સૂર્યોદય પહેલાંથી જ રાજપરા ધામ ખાતે ભાવિક ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. 'બોલ મારી ખોડીયાર, જય જય ખોડીયાર'ના નારાથી સમગ્ર સંકુલ ગૂંજી ઊઠ્યું છે. યુવાનો, મહિલાઓ અને વડીલો હાથમાં પૂજાની સામગ્રી લઈને માના મુખારવિંદના દર્શન માટે ઉત્સુક જણાયા હતા. આજના દિવસે ભક્તોની અડગ આસ્થાના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર અને સંઘ સાથે ૫૨ ગજની ભવ્ય ધજાઓ લઈને વાજતે-ગાજતે માતાજીના દરબારમાં શીશ નમાવવા પહોંચ્યા હતા.
માતાજીની માનતા પૂરી થતાં અનેક ભક્તો સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને, ગોઠણભેર, ઊંધા સૂઈને તેમજ દંડવત પ્રણામ કરતા-કરતા માના ચરણોમાં પહોંચ્યા હતા. ભક્તોની આ અતૂટ શ્રદ્ધા અને સમર્પણ જોઈને ઉપસ્થિત દર્શનાર્થીઓ પણ ભાવવિભોર બની ગયા હતા. પરિસરમાં ચારે તરફ ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો હતો. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા અને પરિવારની સુખ-સમૃદ્ધિ અર્થે માતાજીના ચરણોમાં અક્ષત, કંકુ અને શ્રીફળ અર્પણ કરી આશીર્વાદ મેળવી રહ્યા છે.
રાજપરા ખોડિયાર ધામ ખાતે વર્ષોથી આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન ભવ્ય ઉત્સવ ઉજવવાની પરંપરા રહી છે. પ્રથમ નોરતે ઘટસ્થાપન બાદ હવે આગામી નવ દિવસ સુધી મંદિરમાં ધાર્મિક અનુષ્ઠાનો, પૂજન-અર્ચન અને દર્શનનો દોર નિરંતર જારી રહેશે. શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસન દ્વારા દર્શન, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન અને સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
