News of Tuesday, 21st July 2026
જસદણ જલારામ મંદિરે ભાગવત કથાનું ભવ્ય આયોજન
ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે ચાર દાયકાથી ભાગવત કથાનું શ્રી જલારામ સત્સંગ મંડળ અને હરી પરીવાર દ્વારા આયોજન કરવામાં આવે છેઃ ગુરુપૂજન બાદ કથા વિરામ થશે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૧ જસદણના જલારામ મંદિરે ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત ગુરૂવારથી ભાગવત કથાનો પ્રારંભ થશે અને ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન બાદ કથા વિરામ લેશે.
છેલ્લા ચાર દાયકાથી પ્રતિ વર્ષ યોજાતી ભાગવત કથાનો પ્રારંભ આગામી તા.૨૩ થી થશે અને કથા વિરામ તા.૨૯ ના રોજ થશે આ ભાગવત કથાની પોથીયાત્રા તા.૨૩ ના રોજ સવારે ૯ કલાકે ગોવર્ધનનાથજીની હવેલીથી થશે નૃસિહ પ્રાગટ્ય તા.૨૫ ના રોજ સાંજે ૬.૩૦ કલાકે,તા.૨૬ ના બપોરે ૧૨ કલાકે રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે ૧ કલાકે વામનજી પ્રાગટ્ય થશે અને સાંજે ૬ કલાકે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તા.૨૭ ના રોજ સાંજે ૬ કલાકે ગોવર્ધન પૂજા તા.૨૮ ના સાંજે ૬ કલાકે રૂક્ષ્મણી વિવાહ અને તા.૨૯ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે કથા વિરામ થશે.
આ ઉપરાંત તા.૨૯ ના રોજ ગુરુપૂર્ણિમા પ્રસંગે પૂજ્ય સદગુરુદેવ શ્રી હરિરામ બાપા પ્રત્યે ભાવ પ્રગટ અવસર અને ગુરુ પૂજન સવારે આઠ કલાકથી ચાલુ થશે.
કથા દરમિયાન દરરોજ બપોરે અને સાંજે મહાપ્રસાદનું પણ આયોજન આયોજકો દ્વારા રાખવામાં આવ્યું છે કથાના વ્યાસપીઠ ઉપર ઈશ્વરચંદ્ર વ્યાસજી જુનાગઢ વાળા બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.
ઉલ્લેખનીય છે કે જસદણના પટેલ સ્ટ્રીટ ખાતે આવેલા જલારામ મંદિરે ચાર દાયકા જેટલા સમયથી અખંડ રામધૂન અને બંને ટાઈમ ભોજન પ્રસાદ પણ પીરસવામાં આવે છે શ્રી જલારામ સત્સંગ મંડળ જસદણ અને સમસ્ત હરી પરિવાર દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા યાદીમાં જણાવ્યું છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
