News of Thursday, 5th November 2026
પાલીતાણાના સુપ્રસિદ્ધ કાલભૈરવ પીઠ ખાતે કાળી ચૌદશે ભવ્ય મહાયજ્ઞ : સવારથી મધરાત સુધી ધાર્મિક અનુષ્ઠાનો
૧૩૬ વર્ષ જૂના ઐતિહાસિક મંદિરે ધ્વજારોહણ, અભિષેક, શણગાર દર્શન અને મહાઆરતી : મહાયજ્ઞમાં ૩૫ મણ તલ, ૧૦૦ મણ કાષ્ટ, પાંચ હજાર શ્રીફળ અને ૫ હજાર લીંબુનો ઉપયોગ થશે

રાજકોટ, તા. ૫ : ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે શ્રી કાલભૈરવ પીઠમાં આગામી તા. ૭ નવેમ્બર, શનિવારે કાળી ચૌદશના પવિત્ર પર્વે પરંપરાગત ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી મધરાત સુધી વિવિધ ધાર્મિક વિધિઓ, વિશેષ પૂજન, ધ્વજારોહણ, શણગાર દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આચાર્ય શ્રી રમેશભાઈ શુકલ તથા પરિવાર દ્વારા ભાવિકોને દર્શન, યજ્ઞમાં આહુતિ અને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.
જૈન તીર્થધામ તરીકે વિશ્વવિખ્યાત પાલીતાણા નગરીમાં આવેલું શ્રી કાલભૈરવ મંદિર સનાતન ધર્મના શ્રદ્ધાળુઓ માટે પણ વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર વર્ષની પરંપરા મુજબ કાળી ચૌદશના પવિત્ર અવસરે તા. ૭ નવેમ્બર, શનિવારે શ્રી કાલભૈરવ મહાયજ્ઞ યોજાશે. આ પ્રસંગે ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાંથી ભાવિકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.
શ્રી કાલભૈરવ પીઠના આચાર્ય શ્રી રમેશભાઈ શુકલના જણાવ્યા મુજબ કાશી, ઉજ્જૈન અને પાલીતાણા નગરીના ક્ષેત્રપાલ દેવ તરીકે ભગવાન કાલભૈરવની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. પાલીતાણાનું કાલભૈરવ મંદિર ઈ.સ. ૧૮૯૦માં તત્કાલીન ભાવનગર રાજ્યના મહારાજા સર માનસિહજી ગોહિલ દ્વારા સ્થાપિત કરાયું હોવાનું મંદિરની પરંપરાગત માહિતીમાં જણાવાય છે. શ્રાવણ સુદ આઠમના દિવસે પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ વર્ષે આ ઐતિહાસિક પરંપરાને ૧૩૬ વર્ષ પૂર્ણ થયાં છે. અહીં ભગવાન કાલભૈરવની આશરે આઠ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા બિરાજમાન છે.
કાળી ચૌદશને કાલરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. સનાતન પરંપરામાં શિવરાત્રી, નવરાત્રી, જન્માષ્ટમીની મોહરાત્રી અને કાલરાત્રીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ ગણાય છે. ધાર્મિક માન્યતા મુજબ કાલભૈરવ ભગવાન શિવનું પ્રચંડ સ્વરૂપ છે અને તેમની ઉપાસના ભય તથા સંકટમાંથી રક્ષણની ભાવના સાથે કરવામાં આવે છે.
આચાર્યશ્રીના જણાવ્યા મુજબ આ મહાયજ્ઞમાં આશરે ૩૫ મણ તલ, ૧૦૦ મણ કાષ્ટ, પાંચ હજાર શ્રીફળ, પાંચ હજાર લીંબુ, ૧૫ ડબ્બા સરસવનું તેલ, ૨૦ કિલો સૂકાં લાલ મરચાં ઉપરાંત સોપારી, લવિગ સહિત વિવિધ પૂજાસામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. મંદિર ખાતે વિશેષ યજ્ઞકુંડોમાં શાષોક્ત મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અપાશે.
આ પ્રસંગે ધ્વજારોહણ, અભિષેક, રુદ્રાભિષેક, શણગાર દર્શન અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ સવારે ૭ વાગ્યે ધ્વજારોહણ, બપોરે ૪ વાગ્યે શણગાર દર્શન, સાંજે ૬-૩૦ વાગ્યે મહાઆરતી, રાત્રે ૮ વાગ્યે મહાભોગ તથા મધરાતે ૧૨ વાગ્યે મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે. મહાભોગમાં લાડવા, લાપસી, વડાં, ગળ્યા અને તીખા પૂડલા, રોટલી, પૂરી, ખીર, ખીચડી સહિતની પરંપરાગત વાનગીઓ ધરાવવામાં આવશે.
મંદિરની ધાર્મિક પરંપરામાં પદ્મકુંડ, ત્રિકોણકુંડ, અર્ધચંદ્રકુંડ અને અષ્ટદલ કુંડ જેવા યજ્ઞકુંડોનું વિશેષ મહત્ત્વ વર્ણવવામાં આવે છે. કાલભૈરવ ઉપાસનામાં અષ્ટભૈરવ તથા બટુક ભૈરવ અને મહાકાલ ભૈરવ સ્વરૂપોની આરાધનાનું પણ વિશેષ સ્થાન છે.
પાલીતાણા ખાતે ભૈરવનાથ મંદિર પાછળ આવેલ શ્રી કાલભૈરવ પીઠમાં યોજાનારા આ મહાયજ્ઞમાં ભાવિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી યજ્ઞદર્શન, આહુતિ તથા મહાપ્રસાદનો લાભ લેવા આચાર્ય શ્રી રમેશભાઈ શુકલ, શ્રી પ્રણવભાઈ શુકલ, શ્રી હર્ષ રમેશભાઈ શુકલ તથા સમગ્ર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો. ૯૪૨૬૪ ૬૮૮૩૬ ઉપર સંપર્ક કરી શકાશે. (
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
