<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

જામનગરના ભવ્ય વારસાને ઉજાગર કરતી હેરિટેજ વોક યોજાઈ, ૯૦ ઇતિહાસ પ્રેમીઓએ ભૂતકાળને નજીકથી નિહાળ્યો અને ગૌરવ અનુભવ્યું

ધરોહરોત્સવ અંતર્ગત આપણી ધરોહર અને હેરિટેજ હાલારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વોકમાં ક્રિકેટ ઇતિહાસથી લઈને રાજવી વારસા સુધીની સફર કરાઈ અને મંદિરોની મુલાકાત લેવાઈ

(મુકુંદ બદીયાણી દ્વારા જામનગર) જામનગર, તા.૨૮ : ધરોહરોત્સવ અંતર્ગત આપણી ધરોહર અને હેરિટેજ હાલારના સંયુક્ત ઉપક્રમે જામનગર ખાતે એક વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઐતિહાસિક વારસાને નજીકથી જાણવા અને સમજવાના આ યાદગાર અવસરમાં શહેરના આશરે ૮૦ થી ૯૦ જેટલા ઉત્સાહી નાગરિકો અને ઇતિહાસ પ્રેમીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. આ વોક દ્વારા સહભાગીઓએ જામનગરના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી.

વોકની શરૂઆત અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન અને વિનુ માંકડ સ્ટેચ્યુની મુલાકાતથી થઈ હતી, જ્યાં જામનગરના ગૌરવવંતા ક્રિકેટ ઇતિહાસને યાદ કરવામાં આવ્યો હતો. જામનગરે દેશને અનેક મહાન ક્રિકેટરો આપ્યા છે, તે વાત સહભાગીઓને ગર્વથી યાદ અપાવવામાં આવી હતી. પેવેલિયનના સ્થાપત્ય અને તેની સાથે જોડાયેલી ઐતિહાસિક ઘટનાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ત્યારબાદ સૌએ ઐતિહાસિક લાલ બંગલો ખાતેના વિવિધ ભવનો તથા સર્કિટ હાઉસની મુલાકાત લીધી હતી. અહીં આ ભવ્ય ઇમારતની સ્થાપત્ય કલા નિહાળવાની સાથે પરિસરમાં આવેલા અતિથિ ગૃહ, આકર્ષક આરસપહાણના શિલ્પો તેમજ ઐતિહાસિક રેડિયો હાઉસની મુલાકાત લઈ તેનું ઐતિહાસિક મહત્વ સમજ્યું હતું. જૂના સમયમાં રેડિયો હાઉસની ભૂમિકા અને તેના વારસા વિશે જાણીને સહભાગીઓએ રસપૂર્વક પ્રશ્નો પણ પૂછ્યા હતા.

આગળ વધતા સહભાગીઓએ રાજવી વારસાના પ્રતીક સમાન એક દાંડિયો મહેલ નિહાળ્યો હતો અને અંતે પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. મંદિરની મુલાકાત દરમિયાન તેની પાછળના ભાગમાં આવેલા પૌરાણિક લંકેશ્વર મહાદેવ મંદિર વિશે પણ સૌએ રસપૂર્વક જાણકારી મેળવી હતી. આ સરાહનીય પહેલ થકી ઉપસ્થિત લોકોને જામનગરના આ તમામ સ્થળોના ભવ્ય ઇતિહાસ, સ્થાપત્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ પહેલ એ યાદ અપાવે છે કે વારસો માત્ર સ્મારકો પૂરતો સીમિત નથી, પરંતુ તે આપણી સામૂહિક સ્મૃતિ, ઓળખ અને ગૌરવનું પ્રતીક છે. આવા પ્રયાસો નાગરિકોમાં અને ખાસ કરીને યુવા પેઢીમાં પોતાના વારસા પ્રત્યે જાગૃતિ લાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ઇતિહાસને પુસ્તકોમાં વાંચવાને બદલે સ્થળ પર જઈને જોવાથી તે વધુ જીવંત બને છે, તે આ વોકે ફરી સાબિત કર્યું હતું.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં આપણી ધરોહરના શ્રદ્ધા કણઝારીયા અને હેરિટેજ હાલારના હર્ષભાઈ ચાવડા, ક્યુરીબેન બાવીશી તેમજ કિરીટભાઈ શાહનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. આયોજકો દ્વારા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજીને જામનગરના અન્ય અજાણ્યા વારસા સ્થળોને લોકો સમક્ષ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(7:32 PM IST)