<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ઉનાની સીમવાડી વિસ્‍તારમાં ૯ વર્ષના બાળક ઉપર દીપડો ત્રાટકયો : ગળામાં ગંભીર ઇજા

પરિવારના સભ્‍યોએ હાકલા પડકારા કરતા દીપડો બાળકને જડબામાંથી મુકીને નાસી ગયો

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ર૭: નાદરણ ગામની સીમ વાડી વિસ્‍તારમાં રહેતા પરિવારના નવ વર્ષના દીકરા ઉપર દીપડાએ હુમલો કરી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા બાળકને   સારવાર માટે ઉના હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે.

નવાબંદર નજીક આવેલ નાદરણ ગામની જીલાણી નામની સીમ વિસ્‍તારમાં વાડી વિસ્‍તારમાં ખેતરમાં મકાન બાંધી રહેતા સાદુર્લ ભાઈ બાલાભાઈ મેવડાનો પરિવાર રહે છે. પિતાની નજર સામે ફળીયામાં રમતો દીકરો ક્રિશ સાર્દુળભાઈ (ઉ.વ.૯)  ઉપર એક દીપડો શિકારની લાલચમાં આવી ક્રિશ ઉપર હુમલો કરી ગળાના ભાગે થી દબોચી લઇ નાસવા જતો હતો. ત્‍યારે પિતા સાર્દુળ ભાઈ અને પરિવારના લોકોની નજર પડતા વ્‍હાલસોયા દીકરાને બચાવવા  રાડા રાડી કરતા આજુબાજુના લોકો આવી ગયા હતા. 

દીપડા પાછળ દોટ મુકતા દીપડો ગભરાઈ જઈ ક્રિશને જડબામાંથી મૂકી નાસી ગયો હતો. અને ઈજાગ્રસ્‍ત ક્રિશને તુરંત  ઉનાની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરેલ છે.ગળાના ભાગે ગંભીર ઇજા થયાનું ડોક્‍ટરે જણાવેલ છે. ગીર પૂર્વ વન વિભાગને જાણ કરતા તે પણ બનાવ સ્‍થળ ઉપર પાંજરા લઇ પહોંચી ગઈ હતી. (

(11:43 AM IST)