તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Tuesday, 26th May 2026
અમરેલીના ભાકોદર ગામે બાવળની ઝાડીઓમાંથી બે દિવસથી ગુમ યુવાનનો સિંહે ફાડી ખાધેલો મૃતદેહ મળ્યો : ગ્રામજનોમાં રોષ
બાવળની ઝાડીઓમાંથી યુવાનનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર :વનવિભાગ અને જાફરાબાદ મરીન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો:મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડી વનવિભાગે સિંહનું લોકેશન મેળવવાની કવાયત હાથ ધરી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી એક અત્યંત આઘાતજનક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. જાફરાબાદના ભાકોદર ગામ નજીક આવેલી બાવળની ઝાડીઓમાંથી એક યુવાનનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વારાસ્વરૂપ ગામના રહેવાસી ભરતભાઈ મધાભાઇ બારૈયા નામનો યુવાન છેલ્લા બે દિવસથી ગુમ હતો. શોધખોળ દરમિયાન ભાકોદર ગામ નજીક બાવળની કાંટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહના હુમલાના કારણે મૃતદેહની સ્થિતિ એટલી હદે ભયાનક હતી કે શરીરમાં માત્ર ચહેરો જ ઓળખાય તેવી સ્થિતિમાં બચ્યો હતો, જ્યારે બાકીના ભાગના માત્ર અવશેષો જ હાથ લાગ્યા હતા.
આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. વનવિભાગની કથિત બેદરકારી અને પેટ્રોલિંગના અભાવે આ ઘટના બની હોવાનો આક્ષેપ કરી લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થિતિ વણસતા રાજુલા અને જાફરાબાદ બંને રેન્જના RFO સહિત વનવિભાગનો મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. લોકોના આક્રોશને શાંત પાડવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે જાફરાબાદ મરીન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા મૃતક યુવાનના દેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, વનવિભાગની એક ખાસ ટીમ દ્વારા હુમલો કરનાર સિંહનું લોકેશન ટ્રેસ કરવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
