News of Saturday, 21st November 2026
વિસાવદરના રબારીકામાં સિંહણે પ્રૌઢને ફાડી ખાધા
તુવેરના પાકમાં પાણી વાળી રહ્યા હતા ત્યારે વેલજીભાઇ નાગજીભાઇ દાફડાને શિકાર બનાવીને ૧૦૦ મીટર દુર ઢસડી જઇને અમુક ભાગ ખાઇ ગઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૧: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રબારીકા ગામની સીમમાં વાડીમાં ખેતી કામ કરી રહેલા પ્રૌઢ પર સિંહણે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા ભયનો માહોલ છવાઈ ગયો છે.
રબારીકા ગામની સીમમાં હકુભાઈ ભીખાભાઈની વાડી ભાગીયું રાખીને મહેનત-મજૂરી દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતા વેલજીભાઈ નાગજીભાઈ દાફડા (ઉં.વ. ૫૦) ગઈકાલે બપોરે ખેતરમાં ઊભેલા તુવેરના પાકમાં પાણી વાળવાની કામગીરી કરી રહ્યા હતા.
આ દરમિયાન જંગલ વિસ્તારમાંથી અચાનક ધસી આવેલી સિંહણે તેમના પર હુમલો કર્યો હતો અને તેમને ફાડી ખાધા હતા. વન વિભાગના જણાવ્યા મુજબ, સિંહણ તેમના મળતદેહને ૫૦થી ૧૦૦ મીટર દૂર ઢસડી લઈ ગઈ હતી અને શરીરનો અમુક ભાગ ખાઈ ગઈ હતી.
બપોર બાદ ખેતરની કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં વેલજીભાઈ ઘરે પરત ન ફરતા અને તેમનો ફોન પર પણ સંપર્ક ન થતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. ત્યારબાદ પરિવારજનો વાડીએ પહોંચ્યા અને શોધખોળ હાથ ધરી હતી.
શોધખોળ દરમિયાન ખેતરમાંથી વેલજીભાઈનો એક પગ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
ઘટનાની જાણ થતા આસપાસના ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઢસડી જવાના નિશાનને અનુસરીને તપાસ કરતા વેલજીભાઈનો મળતદેહ મળી આવ્યો હતો.
બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિસાવદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ સિંહણ છેલ્લા બે-ત્રણ દિવસથી રબારીકાની સીમ વિસ્તારમાં આંટાફેરા મારી રહી હતી. એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયા બાદ વન તંત્ર દ્વારા સિંહણને પકડવા માટે ચાર પાંજરા ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
