News of Thursday, 17th September 2026
વાંકાનેર હસનપરમાં હરેશનો ઝેર પી આપઘાતઃ દવા પી પત્નિના ખોળામાં માથું રાખી કહ્યુ'તું પૈસાનું ટેન્શન છે!
છ વર્ષની દિકરી અને એક વર્ષના દિકરાએ પિતાનું છત્ર ગુમાવ્યું: ૨૭ વર્ષિય યુવાન કારખાનામાં કામ કરતો હતોઃ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ રોજાસરા પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૬: વાંકાનેરના હસનપર શક્તિપરામાં રહેતાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. દવા પીધા બાદ પત્નિના ખોળામાં માથું રાખી પૈસાનું ટેન્શન છે એવુ બોલ્યો હતો. બેભાન હાલતમાં તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ હસનપર શક્તિપરામાં રહેતાં હરેશભાઇ હમીરભાઇ રોજાસરા (ઉ.વ.૨૭) નામના યુવાન મંગળવારે સાંજે ચારેક વાગ્યે ઘરમાં કપાસની દવા પી લીધી હતી. તેને ખુબજ પરસેવો વળવા માંડતા પત્નિ કેસરબેનને શંકા ઉપજી હતી. ફળીયામાં કપાસની દવા જેમાં રાખી હતી તે ડબલુ ખાલી દેતાં પતિએ દવા પી લીધાની શંકા ઉપજતાં તેની પૃછા કરતાં તેણે પત્નિના ખોળામાં માથુ રાખી દઇ પૈસાનું ટેન્શન છે એટલે દવા પી લીધી છે એવુ કહ્યું હતું.
આથી તુરત જ પત્નિ કેસરબેને બીજા પરિવારજનોને બોલાવ્યા હતાં. હરેશભાઇને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ગત રાતે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર હરેશભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં નાનો હતો. સંતાનમાં છ વર્ષની એક દિકરી અને એક વર્ષનો દિકરો છે જેણે પિતાનું છત્ર ગુમાવ્યું છે. હરેશભાઇ કારખાનામાં મજૂરી કરતો હતો. પોલીસે ખરેખર કયા કારણોસર પગલુ ભર્યુ તે જાણવા તપાસ હાથ ધરી છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
