તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
News of Monday, 28th September 2026
ધ્રાંગધ્રામાં પાડોશી યુવાન સાથે કાર ડ્રાઇવીંગ શીખવા ગયેલી પરિણીતાનું અકસ્માતમાં મોત
સાંજે ઘરેથી નીકળેલા આરતીબેન ખરચરીયાની લાશ કારમાં ડ્રાઇવીંગ સીટ પરથી મળી : બાજુમાં બેઠેલા ચાલકનો બચાવઃ પરિવારજનોને મૃત્યુ શંકાસ્પદ જણાતાં રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૨૮: ધ્રાંગધ્રામાં એક બનાવમાં એક પરિણીતાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે. આ પરિણીતા ગત સાંજે પાંચેક વાગ્યા આસપાસ ઘરેથી નીકળ્યા બાદ તેની લાશ હળદવ રોડ પર આશીર્વાદ હોટેલ ચૂલી પાસે કારમાંથી મળતાં ચકચાર જાગી છે. આ પરિણીતાની લાશ ડ્રાઇવીંગ સીટ પર હતી. બાજુમાં પાડોશી યુવાન બેઠો હતો. તેણે કાર ડ્રાઇવીંગ શીખતી વખતે કાર જાહેરાતના બોર્ડમાં અથડાતાં અકસ્માત સર્જાયાનું પોલીસને કહ્યું હતું. જો કે મૃતકના પરિવારજનોને મૃતયુ અંગે શંકા ઉપજતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો હતો.
જાણવા મળ્યા મુજબ ધ્રાંગધ્રામાં હળવદ રોડ પર શીવરંજની સોસાયટીમાં રહેતાં આરતીબેન અમરશીભાઇ ખરચરીયા (ઉ.વ.૩૦) નામના પરિણીતા સાંજે પોચેક વાગ્યે ઘરેથી નીકળ્યા હતાં. બાદમાં પરિવારજનોને જાણ થઇ હતી કે તેમને હળવદ રોડ આશીર્વાદ હોટેલ ચૂલી પાસે અકસ્માત નડયો છે. આથી પરિવારજનો ત્યાં પહોંચતા આરતીબેન કારમાં ડ્રાઇવીંગ સીટ પર લોહીલુહાણ હાલતમાં હતાં. તેમનું મૃત્યુ થઇ ગયાનું જણવાયું હતું. આ કારમાં બાજુની સીટ પર પાડોશી યુવાન રક્ષીતભાઇ બેઠો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી હતી. પોલીસ પુછતાછમાં રક્ષીતભાઇએ કાર ડ્રાઇવીંગ શીખતી વખતે કાર જાહેરાતના બોર્ડમાં અથડાઇ જતાં આરતીબેનને ગંભીર ઇજા થતાં મૃત્યુ થયાનું કહ્યું હતું.જો કે પરિવારજનોને આ મૃત્યુ અંગે શંકા ઉપજતાં પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. મૃત્યુ પામનાર આરતીબેનના પતિ વાળંદ કામની દુકાન ચલાવે છે. તેણીને સતાનમાં એક દિકરો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ધ્રાંગધ્રા પોલીસ આળગ કાર્યવાહી કરશે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
