News of Tuesday, 7th July 2026
રાપરના ગાગોદર પાસે નિર્માણાધીન ઓવરબ્રિજનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ
સદનસીબે જાનહાનિ ટળી: ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ

કચ્છના રાપર તાલુકાના ગાગોદર પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. વિસ્તારમાં વરસી રહેલા ચાલુ વરસાદ વચ્ચે પણ બ્રિજનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલુ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન અચાનક જ એક તરફનો મોટો હિસ્સો પત્તાના મહેલની જેમ ધડાકાભેર નીચે ધસી પડતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
બ્રિજનો આ મોટો ભાગ સીધો મુખ્ય રસ્તા પર જ તૂટી પડ્યો હતો. આ અકસ્માતને પગલે નેશનલ હાઈવે પરથી પસાર થતો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પોલીસ અને હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સદનસીબે આ દુર્ઘટના સમયે નીચે કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વહીવટી તંત્ર દ્વારા હાઈવે પર વાહનોની લાંબી કતારો ન થાય તે માટે ટ્રાફિકને તાત્કાલિક અન્ય વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ચાલુ વરસાદમાં જોખમી રીતે કામ ચાલુ રાખવા બદલ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી અને નબળા મટીરિયલના ઉપયોગ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
