<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

કેશોદના આંગણે કાલે અલૌકિક અવસરઃ ઠાકોરજી સંગ તુલસીજીના થશે દિવ્‍ય વિવાહ!

છેલ્લા ચાર માસના વિરામ બાદ ફરી ગુંજશે લગ્ન સીઝનની શરણાઈના સૂર! શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ધામધૂમ થી ઉજવાશે તુલસી વિવાહ ઉત્‍સવઃ કે.ડી. ગ્રુપ-વણપરીયા પરિવાર બનશે જાનૈયા, કુંભાણી પરિવાર કરશે કન્‍યા દાનઃ ભાવિકોમાં ભારે ઉત્‍સાહઃ શ્રી વાઘેશ્‍વરી મંદિર દ્વારા પણ ઉત્‍સવનું ભવ્‍ય આયોજનઃ હવેલી સહિત મંદિરોમાં વિશેષ દર્શન

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૦: અત્રે માંગરોળ રોડ પર આવેલ રણછોડજી મંદિર ખાતે આવતીકાલે તારીખ ૨૧ સપ્‍ટેમ્‍બરને શનિવારના રોજ તુલસી વિવાહ ઉત્‍સવનું ભવ્‍ય રીતે આયોજન કરવામાં આવેલ છે.

 સ્‍થાનિક વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ તથા શ્રીરણછોડરાયજી મંદિર ના સંયુક્‍ત ઉપક્રમે યોજનાર તુલસી વિવાહ ના પવિત્ર ઉત્‍સવ અવસરે ઠાકોરજી (ભગવાન શાલીગ્રામ) સાથે તુલસી માતા ના પ્રતિકાત્‍મક રીતે ભવ્‍ય વિવાહ ની ઉજવણી થશૅ! આ પ્રસંગે ઠાકોરજી પક્ષે થી કે.ડી. ગ્રુપના ધીરુભાઈ, અરવિંદભાઈ, રવિભાઈ, હેતલભાઇ સહિત વણપરિયા પરિવાર સાથે સગા, તોહી, સંબંધિતો તથા ઉપસ્‍થિત ભાવીકો જાનૈયા બનશે જ્‍યારે તુલસીજી પક્ષેથી ધીરુભાઈ ગોકળભાઈ કુંભાણી પરિવાર કન્‍યાદાન કરશે. આ અવલોકિક ઉત્‍સવનૉ આનંદ માણવા ભાવિકોમાં ભારે ઉત્‍સાહ જોવા મળેલ છે.

આ મહોત્‍સવ દરમિયાન યોજનાર કાર્યક્રમ ની રૂપરેખા આપતા વિશ્વ હિન્‍દુ પરિષદના કેશોદ તાલુકાના પ્રમુખ લખનભાઈ કામરીયા એ જણાવેલ હતું કે, તારીખ ૨૧ ના કે.ડી. ગ્રાઉન્‍ડ પાસે આવેલ વણપરિયા પરિવારના નિવાસ્‍થાને બપોરના ત્રણ કલાકે ઠાકોરજી નું મંડપ મુહૂર્ત તેમજ રાત્રિના નવ કલાકે તુલસીજી નુ મંડપ મુહૂર્ત નિર્ધારેલ છે.

 આ પ્રસંગે સંપૂર્ણ ભક્‍તિમય માહોલ વચ્‍ચે માંગરોળ રોડ ખાતે આવેલ કે. ડી. ગ્રાઉન્‍ડ ખાતેથી ઠાકોરજી ની જાન જોડવામાં આવશે. જાન પ્રસ્‍થાન સાંજના પાંચ કલાકે થશે, જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો જોડાશે જે શહેરના રાજમાર્ગો પર ફરી સાંજના સાત કલાકે લગ્નોત્‍સવ સ્‍થળ શ્રી રણછોડજી મંદિર ખાતે પહોંચશે. જ્‍યાં ઠાકોરજીના વધામણા બાદ રાત્રિના શુભ ચોઘડીયે પરંપરાગત રીતે લગ્નવિધિ શરૂ થશે. આ લગ્નોત્‍સવ માં ઉપસ્‍થિત સૌ ભાવિક- ભક્‍તો સહિત મહેમાનો માટે મહાપ્રસાદ (ફળ આહાર) ની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

તુલસી વિવાહ ના પાવન અવસર ના સમગ્ર આયોજનને સફળ અને યાદગાર બનાવવા માટે શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્‍ટ, શ્રી દુર્ગા વાહિની-માતળશક્‍તિ, ટીમ(કેશોદ) વી. હી. પ. ના તાલુકા પ્રમુખ લખનભાઈ કામરીયા, શહેર પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ, મંત્રી મહેશભાઈ પાનસેરીયા સહિત વિશ્વ હિન્‍દુ પરિષદના ના કાર્યકરો ભારે જહમત ઉઠાવી રહ્યા છે. આ અલૌકિક ઉત્‍સવમાં સૌ ભક્‍તજનોએ ઉપસ્‍થિત રહી આ પ્રસંગે ઠાકોરજીના દિવ્‍યન દર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

દરમિયાન દરમિયાન શ્રી વાઘેશ્વરી મંદિર દ્વારા પણ આવતીકાલે તુલસી વિવાહ નુ ભવ્‍ય આયોજન કરવામાં આવેલ હોવા નુ જાણવા મળેલ છે. આ અવલોકિક અને પાવન અવસર ની ઉજવણીના ભાગરૂપે હવેલી સહિત મંદિરો માં વિશેષ દર્શન નું આયોજન કરવામાં આવેલ છે.

અત્રે નોંધનીય છે કે, ચતુર્માસ ના છેલ્લા ચાર મહિના દરમિયાન લગ્ન સહિતના માંગલિક પ્રસંગોને બ્રેક લાગેલ હતી. જે તુલસી વિવાહ બાદ આગામી દિવસોમાં ફરી એક વખત લગ્નની શરણાઈના સૂર ગુંજી ઉઠશે

(12:54 PM IST)