News of Sunday, 22nd November 2026
ભાવનગરમાં સામુહિક સાંસ્કૃતિક અભિવ્યક્તિનો અનોખો દીપોત્સવ, ૧,૧૧૧ હિન્દુ પરિવારો વતી દીપપ્રાગટ્ય
રૂપાણી સર્કલ પર "राम" અને સ્વસ્તિકના આકારમાં ઝળહળ્યા ૧,૧૧૧ દીવડા, નાગરિકોએ સ્વયંભૂ જોડાઈ પોતાના હાથે દીપ પ્રગટાવ્યા: ભાવનગર માટે ૧૯૩ નાગરિકોની મંગલકામના અયોધ્યા મોકલાશે, ‘રિવાઇવ ભાવનગર’ અંતર્ગત ૨૫૧ નાગરિકોએ શહેરના વિકાસ માટે વિચારો અને સહયોગની તૈયારી દર્શાવી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ભારતીય સંસ્કૃતિની ઉજવણી, સેવા સંકલ્પોની પૂર્તિ અને ભાવનગરના સુખ, સમૃદ્ધિ તથા ઉજ્જવળ ભવિષ્યની મંગલકામના સાથે ડૉ. નિયતિબેન પંડ્યા દ્વારા શનિવાર, તા. ૨૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ રૂપાણી સર્કલ ખાતે આયોજિત ‘ભાવનગર દીપોત્સવ ૨૦૨૬’ ઉત્સાહભેર સંપન્ન થયો. તુલસી વિવાહના પવિત્ર શુભ મુહૂર્તમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ૧,૧૧૧ હિન્દુ પરિવારો વતી દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું. આ દીપોત્સવની વિશેષતા એ રહી કે નાગરિકો માત્ર દર્શક બનીને ઉપસ્થિત રહ્યા નહોતા, પરંતુ પોતે દીપ પ્રગટાવીને સામૂહિક સાંસ્કૃતિક અભિવ્યક્તિના સહભાગી બન્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ નિર્ધારિત સમય મુજબ સાંજે બરાબર ૭ વાગ્યે થયો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે બાબાભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુ શ્રીરામ, ભારતમાતા અને રામલલાની મૂર્તિ સમક્ષ દીપપ્રાગટ્ય તથા રૂપાણી સર્કલ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અને દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો. સંત શ્રી વાસુરામ સનાતન મંદિરના મહંત શ્રી દીપકસાઈ મહારાજ તથા દુઃખભંજની શ્રી દેવુમાં મંદિરનાં દેવુમાંના પવિત્ર હસ્તે પ્રથમ દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રભુ શ્રીરામની આરતી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકો તેમજ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આરતી બાદ ભાવનગરને સમર્પિત વિશેષ મ્યુઝિક આલ્બમ ‘ભાવનગરની નિયતિ’નું શ્રીમતી ગીતાબેન રાવળના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ, ઉપસ્થિત મહેમાનો અને ડૉ. નિયતિબેન પંડ્યાએ દીપપ્રાગટ્ય શરૂ કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત નાગરિકો ઉપરાંત માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ પણ સ્વયંભૂ દીપપ્રાગટ્યમાં જોડાવા લાગ્યા હતા. બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત બહોળી સંખ્યામાં લોકોએ પોતાના હાથે દીવા પ્રગટાવીને આ સામૂહિક ઉજવણીમાં ભાગ લીધો હતો. દીપોત્સવ માટે કુલ ૧,૧૧૧ માટીના કોડિયાંને દેવનાગરી લિપિમાં ‘राम’ તથા ભારતીય સંસ્કૃતિના શુભચિહ્ન સ્વસ્તિકના આકારમાં ગોઠવવામાં આવ્યાં હતાં. એક પછી એક દીવડાઓ પ્રગટતાં સમગ્ર રચના ઝળહળી ઊઠી હતી અને રૂપાણી સર્કલ ખાતે ભક્તિ તથા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું.
ભાવનગર દીપોત્સવની વિશિષ્ટ બાબત નાગરિકોની પ્રત્યક્ષ સહભાગિતા રહી હતી. સામાન્ય રીતે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકો દર્શન કરવા, સાંભળવા કે કાર્યક્રમ માણવા ઉપસ્થિત રહેતા હોય છે. જ્યારે આ દીપોત્સવમાં દરેક વ્યક્તિને પોતાના હાથે એક દીવો પ્રગટાવીને ઉજવણીનો સક્રિય ભાગ બનવાની તક આપવામાં આવી હતી. કોઈ નિશ્ચિત આમંત્રિત સમૂહ પૂરતો કાર્યક્રમ મર્યાદિત ન રહેતાં ઉપસ્થિત લોકો અને રાહદારીઓ પણ સ્વયંભૂ જોડાયા હતા. આ રીતે વ્યક્તિગત શ્રદ્ધા, સામૂહિક સહભાગિતા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિનો સમન્વય સર્જાયો હતો.
દીપોત્સવ દરમિયાન પ્રભુ શ્રીરામના ચરણોમાં ભાવનગર માટે મંગલકામના કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં ૧૯૩ નાગરિકોએ ભાવનગરના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પોતાની પ્રાર્થનાઓ લખી હતી. આ તમામ પ્રાર્થનાઓ એકત્રિત કરીને અયોધ્યા સ્થિત શ્રીરામ મંદિર ખાતે મોકલવામાં આવશે. આ પ્રવૃત્તિ દ્વારા પોતાની વ્યક્તિગત શ્રદ્ધા સાથે સમગ્ર શહેરના કલ્યાણની ભાવનાને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભાવનગર દીપોત્સવ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણી પૂરતો મર્યાદિત ન રહેતાં ભાવનગરના વિકાસ માટે નાગરિકોને વિચારવા અને સક્રિય બનવા પ્રેરિત કરવાનું માધ્યમ પણ બન્યો હતો. ડૉ. નિયતિબેન પંડ્યાની ‘રિવાઇવ ભાવનગર’ મુહિમ અંતર્ગત કાર્યક્રમ દરમિયાન ૨૧૪ નાગરિકોએ પત્રિકા દ્વારા અને ૩૭ નાગરિકોએ ઓનલાઇન માધ્યમથી, એમ કુલ ૨૫૧ નાગરિકોએ ભાવનગરના વિકાસ માટે પોતાના વિચારો, સૂચનો તથા શહેર માટે કાર્ય કરવાની તૈયારી અંગે પ્રતિભાવો નોંધાવ્યા હતા. આ ઉપરાંત નાગરિકોને પોતાના શહેરની સમસ્યાઓ, સંભાવનાઓ અને વિકાસમાં વ્યક્તિગત યોગદાન અંગે વિચારવા પ્રેરતી ૧,૦૦૦ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર દીપોત્સવની તમામ વ્યવસ્થાઓ ડૉ. નિયતિબેન પંડ્યાના સેવા-સાથી ભાઈઓ અને બહેનોએ સંભાળી હતી. દીવડાઓની ગોઠવણી, દીપપ્રાગટ્ય, આરતી, પ્રસાદ વિતરણ, નાગરિકોની સહભાગિતા અને ‘રિવાઇવ ભાવનગર’ની પ્રવૃત્તિઓ સહિત વિવિધ જવાબદારીઓ સેવા-સાથીઓએ નિભાવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સેવા-સાથીઓ દ્વારા સમગ્ર સ્થળની સફાઈ કરીને રૂપાણી સર્કલને તેની પૂર્વવત્ સ્થિતિમાં કરી આપવામાં આવ્યું હતું. આ રીતે સાંસ્કૃતિક ઉજવણીની સાથે જાહેર સ્થળની સ્વચ્છતા અને નાગરિક કર્તવ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજન દ્વારા શ્રદ્ધાથી સેવા, સેવાથી સહભાગિતા અને સહભાગિતાથી શહેરના વિકાસ તરફ આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ભાવનગર દીપોત્સવની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક સહભાગી બનેલા તમામ નાગરિકો, આમંત્રિત મહેમાનો અને સેવા-સાથીઓનો ડૉ. નિયતિબેન પંડ્યાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ કાર્યક્રમના સુચારુ આયોજન માટે સહયોગ આપનાર ભાવનગર મહાનગરપાલિકા, વહીવટી તંત્ર તથા તમામ સહયોગીઓ પ્રત્યે પણ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.
ભાવનગર દીપોત્સવ ૨૦૨૬ની ૧૨ વિશેષ બાબતો
. સમયપાલન: સાંજે ૭ વાગ્યે નિર્ધારિત સમયે જ કાર્યક્રમનો પ્રારંભ થયો.
. સંચાલન: સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ડૉ. નિયતિબેન પંડ્યાના સેવા-સાથી ભાઈઓ અને બહેનોએ સંભાળી.
ગાંધીજીનીને પુષ્પાંજલિ: રૂપાણી સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરીને દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું.
. મ્યુઝિક આલ્બમ: ‘ભાવનગરની નિયતિ’ મ્યુઝિક આલ્બમનું અનાવરણ થયું અને ઉપસ્થિત લોકોએ ગીતો માણ્યા.
૧૯૩ મંગલકામનાઓ: ભાવનગર માટે નાગરિકોએ લખેલી ૧૯૩ પ્રાર્થનાઓ અયોધ્યા શ્રીરામ મંદિર મોકલવામાં આવશે.
૨૫૧ નાગરિકોના વિકાસલક્ષી પ્રતિભાવો: ‘રિવાઇવ ભાવનગર’ અંતર્ગત ૨૧૪ પત્રિકા દ્વારા અને ૩૭ ઓનલાઇન માધ્યમથી વિચારો તથા સહયોગની તૈયારી નોંધાઈ.
સ્વચ્છતાની જવાબદારી: કાર્યક્રમ બાદ સ્થળની સફાઈ કરીને તેને પૂર્વવત્ સ્થિતિમાં કરી આપવામાં આવ્યું.
સ્થાનિક કુંભારોને પ્રાધાન્ય: દીપોત્સવ માટે માટીના કોડિયાં ભાવનગરના સ્થાનિક કુંભારો દ્વારા બનાવવામાં આવ્યાં હતાં.
પરિવારોનાં નામવાળાં કોડિયાં: ‘દીપોત્સવ ફટાકડા મોલ’ના મુલાકાતી પરિવારોએ કોડિયાં પર પોતાનાં નામ લખ્યાં હતાં. તે પરિવારો વતી દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું.
તુલસી વિવાહનું શુભ મુહૂર્ત: તુલસી વિવાહના શુભ મુહૂર્તમાં દીપોત્સવનું આયોજન થયું.
.સ્વયંભૂ લોકસહભાગિતા: ઉપસ્થિત નાગરિકો અને રાહદારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકોએ પોતાના હાથે દીપપ્રાગટ્ય કર્યું.
૧,૦૦૦ પત્રિકાઓનું વિતરણ: ‘રિવાઇવ ભાવનગર’ અંતર્ગત નાગરિકોને શહેરના વિકાસ માટે વિચારવા અને કાર્ય કરવા પ્રેરતી પત્રિકાઓનું વિતરણ થયું
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
