<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

અમરેલીના આંબરડી સફારી પાર્કમાં સિંહની પજવણી કરાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ :વનકર્મીઓ સામે ઉઠ્યા સવાલ

વીડિયોમાં ત્રણથી ચાર લોકો બાઈક પર સવાર થઈ સિંહનો પીછો કરતા જોવાયા : બાઈકથી પીછો કરાતાં સિંહે પણ ખુલ્લા મેદાન તરફ દોટ લગાવી

અમરેલીના આંબરડી સફારી પાર્કમાં સિંહની પજવણી કરાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પજવણી વનકર્મીઓ દ્વારા જ કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વીડિયોમાં ત્રણથી ચાર લોકો બાઈક પર સવાર થઈ સિંહનો પીછો કરતા જોવા મળી રહ્યા છે. બાઈકથી પીછો કરાતાં સિંહે પણ ખુલ્લા મેદાન તરફ દોટ લગાવી હતી. આ સમગ્ર ઘટનાને પગલે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટના ઉલ્લંઘનના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ, ગીર પૂર્વના DCF વિકાસ યાદવના મોનિટરિંગ સામે પણ સવાલો ઊઠ્યા છે. વાયરલ વીડિયોએ વન્યજીવોની સુરક્ષા અને વનવિભાગની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સિંહનો સમાવેશ અનુસૂચિ-1માં કરવામાં આવ્યો છે. એટલે કે સિંહને કાયદા દ્વારા સર્વોચ્ચ સુરક્ષા આપવામાં આવી છે. માત્ર ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એશિયાઈ સિંહના સંરક્ષણને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અનુસૂચિ-1 હેઠળના પ્રાણીઓનો શિકાર કરવો, તેમને ઇજા પહોંચાડવી કે નુકસાન પહોંચાડવું ગંભીર ગુનો છે, જેના માટે જેલ અને દંડની જોગવાઈ છે.

ત્યારે સવાલ એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય રક્ષણ ધરાવતા વનરાજને જો સફારી પાર્કમાં જ હેરાન કરવામાં આવે તો જવાબદારી કોની? શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે છે કે વનવિભાગના કર્મચારીઓને પણ એટલો જ લાગુ પડે છે? હવે જોવાનું એ રહેશે કે વાયરલ વીડિયોની નિષ્પક્ષ તપાસ થાય છે કે નહીં અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં!

(7:40 PM IST)