News of Sunday, 15th November 2026
આંબરડી સફારી પાર્કમાં એશિયાટિક સિંહની પાછળ વાહનો દોડાવવાનો વીડિયો વાયરલ થતા વિવાદ: ત્રણ કર્મચારીઓને ફરજ પરથી દૂર કરાયા
વન સંરક્ષકે સિંહની પજવણીના આક્ષેપ નકાર્યા :બે સિંહો વચ્ચે સંભવિત લડાઈ ટાળવા અને સિંહને સુરક્ષિત રીતે તેના નિર્ધારિત વિસ્તારમાં પરત લઈ જવા કર્મચારીઓએ પ્રયાસ કર્યો:પ્રાણીને હેરાન કરવાનો કોઈ ઇરાદો નહોતો

અમરેલી: ધારી નજીક આવેલા ગીર પૂર્વ વન વિભાગ હેઠળના આંબરડી સફારી પાર્કમાં એશિયાટિક સિંહની પાછળ વાહનો દોડાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે. વીડિયોમાં કેટલાક લોકો મોટરસાઇકલ પર અને વન વિભાગની સરકારી બોલેરો ગાડીમાં સવાર થઈ એક નર સિંહની પાછળ જતા જોવા મળે છે. આ ઘટનાને પગલે વન્યજીવ પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે અને સિંહની પજવણી થઈ હોવાના આક્ષેપો સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ ઊઠી છે. બીજી તરફ, વન વિભાગે સિંહને સુરક્ષિત રીતે તેના નિર્ધારિત વિસ્તારમાં પરત લઈ જવાની કામગીરી કરવામાં આવી હોવાનો બચાવ કર્યો છે.
વાયરલ વીડિયોમાં બે-ત્રણ મોટરસાઇકલચાલકો સિંહની પાછળ જતા અને તેની આસપાસ વાહનો દોડાવતા દેખાય છે. કેટલાક કર્મચારીઓ પાસે વોકી-ટોકી પણ હોવાનું વીડિયોમાં જોવા મળે છે. આ ઉપરાંત વન વિભાગની એક સરકારી બોલેરો ગાડી પણ સિંહની પાછળ દોડતી નજરે પડે છે. સફારી પાર્કમાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી વન વિભાગના કર્મચારીઓ જ પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા કે અન્ય કોઈ કારણસર વન્યપ્રાણીની પજવણી કરી રહ્યા હોવાના આક્ષેપો થયા હતા.
આ વિવાદ અંગે ધારી-ગીર પૂર્વના ઇન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક (ACF) મિતેશ વાણિયાએ સિંહની પજવણી થઈ હોવાના આક્ષેપો નકારી કાઢ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવાર દરમિયાન આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આંબરડી સફારી પાર્ક આશરે 300 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે અને દરરોજ સાંજે પાંચ વાગ્યે 100 બાય 100 મીટરના નિર્ધારિત ઘેરામાં સિંહોને ખોરાક આપવામાં આવે છે. તે દરમિયાન 'સિમ્બા' નામનો નર સિંહ પોતાના ક્રાલ એટલે કે નિર્ધારિત રહેઠાણ વિસ્તારની બહાર નીકળી અન્ય સિંહના વિસ્તારમાં જઈ રહ્યો હોવાનું કર્મચારીઓના ધ્યાનમાં આવ્યું હતું. બે સિંહો વચ્ચે સંભવિત લડાઈ ટાળવા અને સિંહને સુરક્ષિત રીતે તેના નિર્ધારિત વિસ્તારમાં પરત લઈ જવા કર્મચારીઓએ પ્રયાસ કર્યો હતો. પ્રાણીને હેરાન કરવાનો કોઈ ઇરાદો નહોતો, તેમ વાણિયાએ જણાવ્યું હતું.
મુખ્ય વન સંરક્ષક જયપાલસિંહે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે સાંજના સમયે વન વિભાગના કર્મચારીઓ સિંહને સફારી પાર્કમાં તેના નિર્ધારિત ઘેરા તરફ લઈ જઈ રહ્યા હતા. સામાન્ય રીતે આ કામગીરી જીપની મદદથી કરવામાં આવે છે, પરંતુ આ વખતે કેટલાક કર્મચારીઓએ તેના માટે મોટરસાઇકલનો ઉપયોગ કર્યો હતો. દિવાળીની રજાઓ દરમિયાન સફારી પાર્કમાં પ્રવાસીઓની ભારે ભીડ હતી અને વ્યવસ્થા જાળવવા વન વિભાગના કર્મચારીઓએ સતત 12 કલાક સુધી કામગીરી કરી હોવાનું પણ ACF મિતેશ વાણિયાએ જણાવ્યું હતું.
વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે. મુખ્ય વન સંરક્ષક જયપાલસિંહે જણાવ્યું હતું કે આ મામલે નોટિસ ફટકારવામાં આવી છે અને આઉટસોર્સિંગથી કામ કરતા ત્રણ કર્મચારીઓને તેમની ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘટનામાં સામેલ સંબંધિત કર્મચારીઓ પાસેથી લેખિત ખુલાસો પણ માગવામાં આવ્યો છે. સમગ્ર મામલે મુખ્ય વન સંરક્ષક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ યોગ્ય અને નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે. હવે તપાસમાં સિંહને પરત લઈ જવાની કામગીરી દરમિયાન નિયમોનું પાલન થયું હતું કે નહીં અને વાહનોના ઉપયોગ અંગેની જવાબદારી કોની હતી તે સ્પષ્ટ થશે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
