<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

જસદણના શિવરાજપુરમાં વાડીમાં કામ કરતી વખતે વીજ શોક લાગતા યુવાનનું મોતઃ પિતા અને બનેવીને ગંભીર ઈજા

વાડીમાં ખેતી કામ દરમિયાન અચાનક વીજ શોટ લાગતા હિંમતભાઈ આસોદરિયાનું ઘટનાસ્‍થળે જ મોત, બે ઈજાગ્રસ્‍તોને જસદણ હોસ્‍પિટલમાં ખસેડાયા, ગામમાં શોક

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨૦: જસદણ તાલુકાના શિવરાજપુર ગામે આજે વાડીમાં ખેતી કામ કરતી વખતે ઇલેક્‍ટ્રીક શોટ લાગતા એક યુવાનનું કરૂણ મોત નિપજ્‍યું છે, જ્‍યારે તેના પિતા અને બનેવીને ગંભીર ઈજા થતા સારવાર અર્થે જસદણ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શિવરાજપુર ગામે વાડીમાં હિંમતભાઈ આસોદરિયા, તેમના પિતા ધીરુભાઈ દેવજીભાઈ આસોદરિયા અને હિંમતભાઈના બનેવી જયસુખભાઈ, જેઓ લીલાપુર ગામે રહે છે, તેઓ ખેતી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વીજ શોર્ટ લાગ્‍યો હતો.

વીજ શોટ એટલો જોરદાર હતો કે હિંમતભાઈ આસોદરિયાનું ઘટનાસ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે તેમના પિતા ધીરુભાઈ દેવજીભાઈ અને બનેવી જયસુખભાઈને ગંભીર ઈજા થતા તાત્‍કાલિક સારવાર અર્થે જસદણ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. જ્‍યાં બંનેની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતા જ ગ્રામજનો વાડીએ દોડી આવ્‍યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વાડીમાં ખેતી કામ કરતા હતા એ દરમિયાન શોર્ટ લાગ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે. જોકે, શોર્ટ કયા કારણોસર લાગ્‍યો તે અંગે પોલીસ અને વીજ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિંમતભાઈના અકાળે મોતથી પરિવારમાં કલ્‍પાંત છવાઈ ગયો છે. મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે હોસ્‍પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.(

(4:04 PM IST)