News of Friday, 19th June 2026
યુ.કે. જવાના નામે કલ્યાણપુરના યુવાન સાથે રૂ. ૩૦ લાખની છેતરપિંડી
વડોદરાના ત્રણ શખ્સો સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૯: કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા વિજયભાઈ સુકાભાઈ ગોરાણીયા નામના ૩૧ વર્ષના મેર યુવાનનો મોટો ભાઈ જયમલભાઈ ગોરાણીયા કે જેણે માત્ર ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો હોય, તેમને કામ કરવા માટે વિદેશ જવું હોવાની વાત તેમના પરિવારજનોને કરી હતી. આ માટે તેમણે ડિસેમ્બર ૨૦૨૩ ના સમય ગાળામાં તેમનો પાસપોર્ટ કઢાવ્યો હતો. આ પછી એપ્રિલ ૨૦૨૪ માં યુકે ખાતે રહેતા અને મૂળ ગોરાણા ગામના રહીશ એવા વિજયભાઈ ગોરાણા ગોરાણીયાના મિત્ર એવા ભીમાભાઈ નામના એક યુવાનનો તેમણે સંપર્ક કર્યો હતો અને તેમણે તેમના પરિચિતમાં એક નામ સૂચવ્યું હતું. આ પછી વિજયભાઈ ગોરાણીયાએ મૂળ વડોદરાના અને હાલ યુ.કે. રહેતા હોવાનું જણાવતા દીક્ષિત સુરેશભાઈ શાહનો સંપર્ક કર્યો હતો અને તેમણે પ્રાથમિક રીતે યુ.કે. (ઇંગ્લેન્ડ) આવવા માટે રૂપિયા ૨૫.૫૦ લાખનો ખર્ચ ડોકયુમેન્ટ અને એપ્લિકેશન બનાવવા માટે થશે તેમ જણાવ્યું હતું.
આ પછી તેઓએ વિદેશ જવા માટે એજન્ટની શોધખોળ પણ કરી હતી. આમ, આ સમગ્ર પ્રકરણમાં વિજયભાઈ ગોરાણીયા દ્વારા વડોદરાના રહીશ આરોપી દીક્ષિત સુરેશભાઈ શાહ, વૈભવ સુરેશભાઈ શાહ અને સાજણભાઈ પટેલ સાથે સંપર્કમાં રહી અને સમયાંતરે રૂ. ૧૦ લાખ, રૂ. સાડા છ લાખ, રૂ. ૫ લાખ, રૂ. ૪ લાખ, એ રીતે કુલ રૂ. ૩૦ લાખ ૩૭ હજારની ટુકડે ટુકડે રકમ આંગડિયા પેઢી માટે મારફતે મોકલી આપી હતી. આ પછી આજ સુધી જયમલભાઈને વિદેશ જવા માટેની કોઈપણ પ્રકારની પ્રોસેસ થઈ ન હોવાનું તેઓના ધ્યાને આવ્યું હતું.
જેથી ફરિયાદી વિજયભાઈ ગોરાણીયાએ દીક્ષિતભાઈ શાહને પૈસા પરત આપવાનું કહેતા તેઓએ પૈસા પરત આપ્યા ન હતા અને તેમનો મોબાઈલ નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધો હતો. આ રીતે ત્રણેય શખ્સોએ એકબીજાની મદદગારી કરી, કુલ રૂ. ૩૦,૩૭,૦૦૦ ની છેતરપિંડી કરી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે વડોદરાના ત્રણેય શખ્સો સામે બી.એન.એસ.ની કલમ ૩૧૬ (૨), ૫૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
